નાઈરોબીઃ પૂર્વ આફ્રિકાન દેશ કેન્યાની રાજધાની નાઈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કોમ્પલેક્સ પર ૧૫મીએ હુમલો થયો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટનામાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે બંધક બનેલા લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુર કેન્યાટાએ કહ્યું કે રાજધાની નાઈરોબીમાં કટ્ટરવાદીઓએ બાનમાં લીધેલી હોટલ પરનો કબજો છોડ્યો છે અને હુમલાખોરોને મારી નંખાયા છે.
અગાઉ શહેરના વેસ્ટલેન્ડ્સ વિસ્તારમાં આવેલી આ હોટલમાં બે વિસ્ફોટ અને ગોળીબાર થયાનો અવાજ સંભળાયો હતો. હુમલામાં ૩૦ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોમાલિયાના ઉગ્રવાદી જૂથ અલ શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ મુજબ હોટલમાં ચાર હથિયારધારી પ્રવેશ્યા હતા. કેટલાક અન્ય પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેમણે એ ચારનાં મૃતદેહ જોયાં હતાં.