નાઈરોબીઃ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરની સંસ્થાઓની વૈશ્વિક યાદીમાં ટોચના સ્થાને રહેલી કેન્યાની કંપનીઓ ટેક્નોસેવી ઠગોનું મુખ્ય લક્ષ્ય બની રહી છે. તેઓ નિર્દોષ ગ્રાહકોને શિકાર બનાવીને તેમણે બેંક એકાઉન્ટમાં રાખેલી તેમની જીવનભરની બચતની ઉઠાંતરી કરતા હોવાનું નવા સર્વેમાં જણાયું હતું.
ટૂંક સમયમાં જ એક પછી એક ત્રણ બેંક નબળી પડતાં અને લિક્વિડિટી અને કેપિટલ એડિક્વસી પરની કાયદાકીય ગાઈડલાઈન્સનો ભંગ કરનારા ધિરાણકર્તાઓની સંખ્યા વધી રહી હોવાથી આવી ઘટનાઓને લીધે ડિપોઝીટરોના વિશ્વાસને ભારે આઘાત પહોંચે તેવી શક્યતા છે.
ક્રેડિટ રિપોર્ટિંગ એજન્સી ટ્રાન્સયુનિયન આફ્રિકા દ્વારા કરાયેલા સર્વેના પ્રાથમિક તારણો દર્શાવે છે કે ઓફિસો, સ્કૂલો, કંપનીઓ, બિલ્ડીંગો અને વિવિધ સંસ્થાઓ જેવા સ્થળોએ જતાં લોકો વિઝિટર્સ બુકમાં જે વિગતો ભરે છે તે વિગતો લોકોની રોકડ રકમ ચોરવા ઠગો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છે.
ટ્રાન્સયુનિયનના ડિજીટલ ફ્રોડ સોલ્યુશન ટ્રુવેલિડેટ દ્વારા કરાયેલો સર્વે દર્શાવે છે કે આઈડેન્ટીટી થેફ્ટ અને લોન સ્ટેકિંગના માધ્યમથી દર વર્ષે કેન્યાની બેંકોના Ksh ૧૩ બિલિયન (૧૨૧.૪૯ મિલિયન ડોલર) છેતરપિંડી કરનારાઓ પાસે જતા રહે છે.
સર્વે પ્રમાણે ફાઈનાન્સિયલ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં આઈડેન્ટીટી થેફ્ટ ખૂબ વધી ગઈ છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ બીલી ઓવિનોએ 'ઈસ્ટ આફ્રિકન' ને જણાવ્યું હતું કે કોઈક વ્યક્તિ એકાઉન્ટ ખોલાવવા માટે અથવા તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે તમારું આઈડેન્ટીટી કાર્ડ ચોરી લે અને તેની સામે લોન લે છે. ઘણીવાર આવું બનતું હોય છે. સામાન્ય રીતે ચોરેલા આઈડી કાર્ડની માહિતીનો ઉપયોગ કરીને મ્શાવરી અથવા ટાલા લોન્સ લેવામાં આવે છે.
સર્વે મુજબ ૨૦૨૧માં ૩૦ એપ્રિલ સુધીના ચાર મહિનામાં સસ્પેક્ટેડ ફ્રોડમાં ૧૫૦.૭૨ ટકાનો વધારો થયો હતો.