નાઈરોબીઃ કેન્યા માટે અમેરિકા પછી યુગાન્ડા અને ટાન્ઝાનિયા મુખ્ય પ્રવાસી સ્રોત બની રહ્યા છે કારણ કે કોવિડ - ૧૯ પ્રતિબંધો હટાવાયા તે પછી દેશમાં ૨૦૨૧માં તેમાં ૫૩.૨૯ ટકાનો વધારો નોંધાયો હતો. પ્રવાસન ઉદ્યોગની આવકમાં ૩૪.૭૬ ટકાનો વધારો નોંધાયો હતો, જે ૨૦૨૦માં નોંધાયેલા ૮૮૫ મિલિયન ડોલરની તુલનામાં ૧.૪૬ બિલિયન ડોલર થઈ હતી.
ટુરિઝમ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે જાહેર કરેલી વિગતો પ્રમાણે કેન્યામાં ગયા વર્ષે ૮૭૦,૪૬૫ પ્રવાસીઓ આવ્યા હતા. ૨૦૨૦માં આ સંખ્યા ૫૬૭,૮૪૮ હતી.
જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૧ના ગાળામાં કેન્યા માટે પ્રવાસીઓમાં અમેરિકા સૌથી મોટો સ્રોત રહ્યો હતો. અમેરિકાના ૧૩૬,૯૮૧ પ્રવાસીઓ કેન્યાના પ્રવાસે આવ્યા હતા. તે પછી યુગાન્ડાના ૮૦,૦૬૭ અને ટાન્ઝાનિયાના ૭૪,૦૫૧ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે યુકે અને ભારત અનુક્રમે ૫૩,૨૬૪ તથા ૪૨,૧૫૯ પ્રવાસીઓ સાથે ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા.
કેન્યા આવેલા કુલ લોકોમાં ૩૪.૪૪ ટકા એટલે કે ૨૯૯,૮૦૨ હોલિડે ટુરિસ્ટ હતા જ્યારે ૨૨૯,૮૦૪ મુલાકાતીઓ બિઝનેસ માટે, મિટીંગ, ઈન્સેન્ટિવ્સ, એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સિસ (MICE) માટે નોંધાયા હતા.
અન્ય ૪૬,૬૫૪ મુલાકાતીઓ ટ્રાન્ઝિટ પેસેન્જર્સ તરીકે નોંધાયા હતા.. માત્ર ૧૯,૦૫૩ લોકો અભ્યા માટે અને માત્ર ૧ ટકા લોકો મેડિકલ ટ્રીટમેન્ટ માટે કેન્યા આવ્યા હતા.
કેન્યાના ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ જણાવ્યું હતું કે ખાસ કરીને WRC સફારી રેલી અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર ૨૦ જેવા મોટા રમતોત્સવ યોજવાના કેન્યાના નિર્ણયને લીધે પણ ટુરિસ્ટની સંખ્યા વધી હતી.