નાઈરોબીઃ કેન્યામાં ૧૫થી ૧૯ વર્ષની વચ્ચેની દર પાંચ છોકરીઓમાંથી એક ગર્ભવતી અથવા તો બાળકને જન્મ આપી ચૂકેલી હોવાનું કેન્યાના ડેટા અને હેલ્થ સર્વેમાં જણાયું હતું. છોકરીઓ નાની વયની અને પ્રસુતિ માટે તૈયાર નથી હોતી ત્યારે જન્મ સમયે માતા અને બાળક બંને માટે તકલીફ થવાનું જોખમ વધી જાય છે.
માર્ગારેટ એધીયાંબોએ જણાવ્યું હતું કે તેના પ્રથમ બાળક વખતે તેને પડકારનો સામનો કરવો પડ્યો. તેનું બાળક ખૂબ બીમાર હતું. તેથી તે ઓછા વજનનું હોવાથી તેને વારે ઘડીએ હોસ્પિટલે લઈ જવું પડતું હતું. બાળકનું વજન વધે તે માટે તેને દવાઓ આપવામાં આવી હતી. બાળકોની સંભાળ કેવી રીતે રાખવી તેનો છોકરીઓને ખ્યાલ હોતો નથી. તેથી છોકરીના પેરેન્ટ્સને બાળક અને તેની સારી સંભાળ રાખવા વચ્ચે પડવું પડે છે. વસાહતોમાં રહેતી મોટાભાગની ટીનેજર માતાઓને બાળકોની સંભાળ રાખવાની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરવા સહિતના સંખ્યાબંધ પડકારોનો સામનો કરવો પડે છે. માર્ગારેટે જણાવ્યું કે યંગ મધર આફ્રિકાએ તેમની યોજનામાં તેને સામેલ કરી હતી. તેમણે બાળક માટે પીનટ્સ અને કાંજીનો લોટ આપ્યો હતો અને બાળકને સારી રીતે સ્તનપાન કરાવવા તેને સમજ આપી હતી જેથી બાળકનું વજન થોડું વધે. યુવાન છોકરીઓને મદદરૂપ થવા માટે વ્યવહારિક ઉકેલો શોધવા તેમજ ઓછી વયની છોકરીઓને વહેલી પ્રસુતિથી રક્ષણ આપવાના લાભો વિશે સમાજને જાગૃત કરવાની હાલ જરૂર છે.