નાઈરોબીઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ વિજેતા રહેલી લાંબી દોડની ૨૫ વર્ષીય ખેલાડી એગ્નીસ તિરોપનો મૃતદેહ પશ્ચિમ કેન્યાના ઈટેનમાં આવેલા તેના ઘરમાંથી મળી આવ્યો હોવાનું કેન્યાના ટ્રેક ફેડરેશને જણાવ્યું હતું. તેના પેટ અને ગળાના ભાગે છૂરાથી હુમલાને લીધે થયેલી ઈજાના ઘા દેખાયા હતા. આ ગુનાના આરોપસર પોલીસે મોમ્બાસાથી તેના પતિ ઈબ્રાહીમ કિપ્કેમોઈ રોટીચની ધરપકડ કરી હતી.
તિરોપની કાર ઘરની બહાર પાર્ક કરેલી હતી. તેના વિન્ડસ્ક્રીન અને વિન્ડોઝની તોડફોડ થઈ હતી તેના પરથી લાગે છે કે તેની હત્યા પહેલા પારિવારિક ઝગડો થયો હશે તેમ પોલીસે જણાવ્યું હતું. અગાઉ રોટીચના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેણે રોતા રોતા પરિવારને ફોન કર્યો હતો અને તેણે કશુંક કર્યું હશે તેના માટે ભગવાન તેને માફ કરી દે તેમ બોલતો હતો. આ માહિતી મળ્યા પછી પોલીસ તેની શોધખોળમાં લાગી હતી.
ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન દ્વારા જણાવાયું હતું કે પોલીસથી બચવાના પ્રયાસમાં તેની કાર મોમ્બાસા રોડ પર એથી રિવર ખાતે એક લોરી સાથે ટકરાઈ હતી. ત્યાર પછી તેની ધરપકડ થઈ હતી. ગુનાની વધુ તપાસ માટે ચાંગામ્વે પોલીસ સ્ટેશન ખાતે ડિટેક્ટિવોએ તેની પૂછપરછ કરી હતી.
૨૦૧૭ અને ૨૦૧૯ માં મહિલાઓની ૧૦,૦૦૦ મીટરની દોડમાં તિરોપે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને ટોકિયો ઓલિમ્પિક્સમાં ૫,૦૦૦ મીટરની દોડમાં તે ચોથા ક્રમે રહી હતી.
તિરોપે ગયા મહિને જર્મનીમાં માત્ર મહિલાઓ માટેની ૧૦ કિ.મી રોડ રેસ ૩૦.૦૧ મિનિટમાં પૂરી કરીને ૨૦૦૨માં મોરોક્કોના અસ્મે લેઘઝાઓઈએ સ્થાપેલો વર્લ્ડરેકર્ડ તોડ્યો હતો. તેણે અગાઉના રેકર્ડ કરતાં૨૮ સેકન્ડ વહેલા દોડ પૂરી કરી હતી. ૨૦૧૫માં ૧૯ વર્ષની વયે વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ટાઈટલ જીતીને તે બીજી સૌથી યુવાન ચેમ્પિયન બની ત્યારથી તેની કારકિર્દી શરૂ થઈ હતી. (૨૬૭)
=====