નાઈરોબીઃ આફ્રિકા ખંડમાં વિઝામુક્ત પ્રવાસની હિમાયત સાથે કેન્યા દ્વારા તમામ વિદેશીઓ માટે જાહેર કરાયેલી વિઝામુક્ત એન્ટ્રીની નીતિ સામે વિદેશી પ્રવાસીઓમાં રોષ ફેલાયો છે જોકે, કેન્યન સત્તાવાળાએ જાહેર કર્યું છે કે વિઝામુક્ત એન્ટ્રી હોવાં છતાં મુલાકાતીઓએ 30 ડોલર (23 પાઉન્ડ)ની પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટ્સ સામેલ કરી ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA) માટે અરજી કરવાની રહેશે. જે લોકો અગાઉ કેન્યામાં અનિયંત્રિત પહોંચ ધરાવતા હતા તે દેશોના નાગરિકો માટે પણ અરજી કરવી જરૂરી રહેશે.
બીજી તરફ, ઘણા વિદેશીઓએ કેન્યા સરકારની ટીકા કરી નવી નીતિથી ગૂંચવાડો સર્જાયો છે અને કેન્યાનો પ્રવાસ વધુ મુશ્કેલ અને ખર્ચાળ બન્યો હોવાનું જણાવવા સાથે તેને ઉતાવળિયું પગલું ગણાવ્યું છે. કેન્યાના પ્રવાસના 72 કલાક અગાઉ ટ્રાવેલ ઓથોરાઈઝેશન ફી ભરવી પડે છે. જોકે, કેન્યાને ડિજિટલ પ્લેટફોર્મ થકી 9,000થી વધુ વિઝા અરજી પ્રાપ્ત થઈ છે. કેન્યાના ઘણા નાગરિકોએ પણ ભય દર્શાવ્યો છે કે આવા કઠોર નિયંત્રણોથી કેટલાક વિદેશીઓ બહિષ્કાર કરી શકે અથવા અન્ય દેશો પણ વળતા નિયંત્રણો લાદી શકે છે.