નાઈરોબીઃ કેન્યાની નેશનલ એસેમ્બલીએ ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિત કરાયેલા 11માંથી પાંચ આરોપોના મુદ્દે મહાભિયોગના મતદાન થકી તેમને હોદ્દા પરથી દૂર કર્યા હતા. આના પરિણામે, દેશમાં રાજકીય કટોકટી સર્જાવાનું જોખમ ઉભું થયું છે. ગાચાગુઆએ બે વર્ષ પહેલા પ્રેસિડેન્ટ વિલિયમ રુટોને સત્તા હાંસલ કરવામાં મદદ કરી હતી. તાજેતરના મહિનાઓમાં રુટો અને ગાચાગુઆ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો અને રુટોએ ઈમ્પીચમેન્ટ બાબતે કોઈ ટીપ્પણી કરી ન હતી.
67માંથી 54 સેનેટરોએ બંધારણના ગંભીર ઉલ્લંઘન સબબે ગાચાગુઆને હોદ્દા પરથી દૂર કરવા મત આપ્યો હતો. આવા પગલાં માટે બે તૃતીઆંશ બહુમતી આવશ્યક રહે છે. આ સાથે ગાચાગુચા ઈમ્પીચમેન્ટ થકી હોદ્દા પરથી દૂર કરાયેલા પ્રથમ કેન્યન પ્રેસિડેન્ટ કે ડેપ્યુટી પ્રેસિડેન્ટ બન્યા છે. જોકે, ગાચાગુઆએ તેમને દૂર કરવાને પડકારતી અનેક પિટિશન્સ ફાઈલ કરી છે અને ચીફ જસ્ટિસે તેને તપાસવા ત્રણ જજીસની પેનલ નિયુક્ત કરી છે. ગાચાગુઆ હાર્ટની સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ, સેનેટે તેની કાર્યવાહી અટકાવી ન હતી.
ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆએ તેમની સિક્યુરિટી હટાવી લેવા સામે વિરોધ દર્શાવતા કહ્યું હતું કે તેમને કશું થશે તેની જવાબદારી પ્રેસિડેન્ટ રુટોની જ રહેશે.