નાઈરોબીઃ હાઈ કોર્ટ ઓફ કેન્યાએ નેશનલ એસેમ્બલીમાં પસાર અને પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ સહી કરેલા ફાઈનાન્સ બિલ 2023ના અમલને અટકાવી દીધો છે. લેડી જસ્ટિસ એમ થાન્ડેએ બુશિયાના સેનેટર ઓકિયાહ ઓમ્ટાટાહ અને અન્યોના કાનૂની દાવા સદર્ભે તેની સુનાવણી અને ચુકાદા સુધી અમલ પર મનાઈ ફરમાવી હતી.
હાઈ કોર્ટ ઓફ કેન્યાએ ફાઈનાન્સ બિલ 2023ના અમલને અટકાવી દેતા નવા ટેક્સીસ મારફત વધારાનું ભડોળ એકત્ર કરવાના પ્રમુખ રુટોના પ્લાનને ઝાટકો વાગ્યો છે. સેનેટર ઓમ્ટાટાહ, માઈકલ ઓટિએનો, બેન્સન ઓડિવુર ઓટિએનો અને અન્યોએ ફાઈનાન્સ બિલની કાયદેસરતાને પડકારતા જણાવ્યુ હતુ કે આ બિલ ટેક્સેશન કાયદાથી વિપરીત છે. વિરોધ પક્ષો અને કેન્યાના નાગરિકોના વિરોધ વચ્ચે પ્રમુખ રુટોએ બિલના અમલ માટે હસ્તાક્ષર કર્યા છે.
ફાઈનાન્સ બિલ 2023ના અમલ સાથે કેન્યાવાસીઓએ જીવનનિર્વાહ ખર્ચમાં ભારે વધારા માટે તૈયાર રહેવું પડશે. આ બિલમા પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) 8 ટકાથી વધારી 16 ટકા કરવા, ટર્નઓવર ટેક્સ 1 ટકાથી વધારી 3 ટકા કરવા, પર્સનલ ઈન્કમટેક્સમાં 5 ટકાનો વધારો, નેશનલ એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે કર્મચારીઓના વેતનમાંથી અને એમ્પ્લોયર્સ પાસેથી 1.5 - 1.5 ટકાની હાઉસિંગ લેવી કાપવા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ પર 16 ટકા વિથહોલ્ડિંગ ટેક્સ, સૌંદર્ય પ્રસાધનો પર ટેક્સ સહિતની ભલામણો કરવામાં આવી છે.