નાઈરોબીઃ સરકારી માલિકીની બિનકાર્યદક્ષ સંસ્થાઓેએ ટેક્સપેયરોના માથે લોન કમિટમેન્ટ ફી પેટે વધારાના Ksh ૧.૬૫ બિલિયન (£૧૧.૦૭) નાખતાં કેન્યાનું રાષ્ટ્રીય દેવું ગયા જૂનમાં વધીને Ksh ૭.૭૧ ટ્રિલિયન (£૫૧.૮૦ બિલિયન) થયું હતું. કેન્યાનું વિદેશી રાષ્ટ્રીય દેવું ૫૨.૧ ટકા અને સ્થાનિક દેવું ૪૭.૯ ટકા છે.
ખૂબ ઝડપથી વધતાં દેવાને લીધે નેશનલ ટ્રેઝરીને સ્થાનિક બજારમાંથી ટ્રેઝરી બીલ્સ અને બોન્ડ્સ મારફતે નાણાં ઉછીના લેવાની ફરજ પડી હતી.કન્ટ્રોલર ઓફ બજેટ માર્ગારેટ ન્યાકાંગોએ સેનેટ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઈનાન્સ એન્ડ બજેટને ઓગસ્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે સારી પ્રણાલિ તરીકે સરકારે લોનની પરત ચૂકવણી માટે ઉછીના નાણાં લેવા જોઈએ નહીં, કારણ કે તેનાથી PFM કાયદો (૨૦૧૨)ની કલમ ૧૫ (૨) (સી) અને આર્ટિકલ ૨૦૧નું ઉલ્લંઘન થાય છે.
સ્થાનિક બજારમાંથી સરકારે માત્ર જુલાઈમાં જ Ksh ૬૭.૮૫ બિલિયન (£૪૫૫.૭૫ મિલિયન) ઉછીના લીધા હતા. સરકારે ૩૦ જૂન સુધીમાં Ksh ૧.૬૫ બિલિયન (£૧૧.૦૮) લોન માટે કમિટમેન્ટ ફી તરીકે ચૂકવ્યા હતા. આ એગ્રીમેન્ટ્સ પર સહી થઈ છે. પરંતુ, તેના નાણાં હજુ સુધી અમલીકરણ સંસ્થાઓએ વાપર્યા નથી.