નાઈરોબીઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે નવા ટેરિફ જાહેર કર્યા છે તેના કારણે ખળભળાટ મચી ગયો છે પરંતુ, કેન્યાને તેનાથી લાભ થવાની આશા છે. આમ છતાં, વૈશ્વિક મંદીના પરિણામે સમગ્રતયા વેપારને નુકસાનની પણ આશંકા છે. કેન્યામાં વેપાર કરવાના ઊંચા ખર્ચાઓથી પણ લાભની તકને વિપરીત અસર થઈ શકે છે.
કેન્યાને એશિયામાં ટેક્સ્ટાઈલ ક્ષેત્રના સ્પર્ધક દેશોની સરખામણીએ ઓછાં યુએસ ટેરિફનો સામનો કરવાનો થશે. કેન્યાએ ગયા વર્ષે યુએસને 737 મિલિયન ડોલરના માલસામાનની નિકાસ કરી હતી. હવે તેને મિનિમમ 10 ટકાનો ટેરિફ લાગવાનો છે જ્યારે વિયેટનામ (46 ટકા), શ્રીલંકા (44 ટકા) અને બાંગલાદેશ (37 ટકા) સામે ઊંચા ટેરિફ લગાવાયા છે. બીજી તરફ, ઈસ્ટ આફ્રિકન દેશો ટાન્ઝાનિયા અને ઈથિયોપિયા તેમજ બ્રાઝિલ જેવા લેટિન અમેરિકન દેશોને પણ લઘુતમ ટેરિફના કારણે ફાયદો થઈ શકે છે.