નાઈરોબીઃ કેન્યાના નોર્થ રિફ્ટ ક્ષેત્રમાં પશુપાલકો અને નાના પાયા પરના ખેડૂતો નસીબ ચમકાવવાની આશાએ ગોલ્ડ માઈનિંગ તરફ વળ્યા છે. મોટા ભાગના યુવાનો પશુચોરી અને લૂંટફાટ છોડીને કિંમતી પીળી ધાતુ શોધવામાં લાગી ગયા છે. વેસ્ટ પોકોટ કાઉન્ટીમાં વેઈવેઈ, રિવર મુરુની, અલાલે, નારવોમોરુ, ન્યાનગેઈટા, માસોલ, ઓર્ટુમ અને ટુર્કવેલ વિસ્તારોમાં આ પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે. આ ઉપરાંત, પડોશના ટુરકાનામાં મોટા ભાગના માઈનર્સ નાડુઆટ, લોમાગુરો, આટેરેકા અને નાકારેઆરેકામાં પણ કામ કરતા જાવા મળે છે.
આ વિસ્તારોના રહેવાસીઓ મોટા ભાગે નદીઓમાંથી સોનું શોધવા પાવડા-કોદાળી, કુહાડી, મોટા વાડકા અને નાના મોટા સાધનો ઉપયોગમાં લે છે. માત્ર ખેતી પર નભવાના બદલે પુરુષો અને સ્ત્રીઓ માઈનિંગના કામમાં જોડાય છે કારણકે તેમાં વધુ કમાણી મળે છે. નાના પાયાનો આ ધંધો ગરીબી ઘટાડવામાં અને ગ્રામીણ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, તેમને ભારે કમાણી થતી નથી પરંતુ, એક દિવસ ઘણું સોનું મળી આવશે તેવી આશા રહે જ છે.
આખો બિઝનેસ આશા પર ચાલે છે. મહિલાઓને નદીએ આખો દિવસ કામ કર્યા પછી આખરે સોનુ મળે તો તે વચેટિયાને માત્ર ૨૦૦ શિલિંગમાં વેચે છે. ખાણિયાઓ પાસેથી ૪૮૦૦ શિલિંગમાં સોનુ ખરીદ્યા પછી તે ૫,૩૦૦ શિલિંગ પ્રતિ ગ્રામ વેચાય છે. લોકોને વચેટિયાઓથી છેતરાવું પડે નહિ તે માટે રહેવાસી ખાણિયાઓને વેસ્ટ પોકોટ ટ્રેડ, ઈન્ડસ્ટ્રિયાલાઈઝેશન, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ દ્વારા સહકારી મંડળીઓ સ્થાપવાની સલાહ પણ અપાઈ છે જેથી ગંભીર રોકાણકારો તેમની પાસેથી બજારકિંમતે સોનુ ખરીદે. કાઉન્ટી દ્વારા તેમને સોનાના ખાણકામ માટે સારા સાધનો વસાવવામાં મદદ પણ અપાશે.