નાયરોબી
કેન્યાની ભર્ષ્ટાચાર વિરોધી વોચડોગ સંસ્થા એથિક્સ એન્ડ એન્ટી કરપ્શન કમિશને ઓગસ્ટ મહિનામાં દેશમાં યોજાઇ રહેલી ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર માટે દોષી ઠરી ચૂકેલા 241 ઉમેદવારોને અયોગ્ય ઠેરવ્યાં છે જ્યારે ફક્ત પાંચ ઉમેદવારને જ ચૂંટણી લડવાની પરવાનગી અપાઇ છે. ચૂંટણી બોર્ડે વ્યક્તિગત કેસો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં દોષી ઠરી ચૂકેલા અને જેમની પાસે અપીલમાં જવાની હવે કોઇ તક બાકી રહી નથી તેવાઉમેદવારોને જ ગેરલાયક ઠેરવવાની દેશનું બંધારણ પરવાનગી આપે છે. ઇએસીસીના ડેપ્યુટી ડિરેક્ટર ફિલિપ કાગુસિયા કહે છે કે બંધારણ તૈયાર કરનારા રાજકિય નેતાઓએ તેમાં છીંડા રાખ્યા છે જેના કારણે દેશને અનૈતિક નેતૃત્વ સહન કરવું પડે છે. ઇએસીસીએ ચૂંટણી માટે ગેરલાયક ઠેરવાયેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાંથી પંચાવનની સામે અપરાધિક મામલા નોંધાયેલા છે. 3 દોષી ઠરી ચૂક્યાં છે અને 11ની સામે તપાસ ચાલી રહી છે. અન્ય ગેરલાયક ઠેરવાયેલાઓમાં શૈક્ષણિક લાયકાતના બનાવટી પ્રમાણપત્રો તૈયાર કરનારા અને પોતાના જાહેર હોદ્દાઓ પરથી રાજીનામા નહીં આપનારાનો સમાવેશ થાય છે. કેન્યાના પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવનારા વિલિયમ રૂટો અને રાઇલા ઓડિંગા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વચનો આપી રહ્યાં છે પરંતુ કેન્યાની જનતાને તેમના વચનો બોદાં લાગે છે.
ચૂંટણી લડવા માટે પરવાનગી અપાઇ છે તેમાં જ્હોન વાલુકેનો સમાવેશ થાય છે. તેમના પર મકાઇની ખરીદી માટે અપાયેલા સરકારી કોન્ટ્રાક્ટમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ હતો. 2020માં અદાલતે તેમને દોષી ઠેરવી 7 મિલિયન ડોલરનો દંડ અને 67 વર્ષની સજા ફટકારી હતી. તેમણે આ ચુકાદાને એન્ટી કરપ્શન કોર્ટમાં પડકાર્યો છે. તે કહે છે કે જો મારી વિરુદ્ધ ચુકાદો આવશે તો હું તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપીશ. મને રાજકિય રીતે દોષી ઠેરવાયો છે. એમ્બુ કાઉન્ટીમાં ગવર્નરપદના ઉમેદવાર લિલિયન મુથોની ઓમોલો તેમનાપબ્લિક સર્વિસ મંત્રાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં 4.7 મિલિયન ડોલર ચાંઉ થઇ ગયા હતા. એપ્રિલ 2020માં કોર્ટે તેમને તેમના બેન્ક ખાતામાં રહેલા 1 લાખ ડોલર અને 2.2 મિલિયન કેન્યન સિલિંગ પરત કરવાનો આદેશ આપ્યો હતો. હાલ આ કેસની સુનાવણી ચાલી રહી છે.