નાઈરોબીઃ કેન્યાના 26 ટકા બાળકો કુપોષણના કારણે કુંઠિત વિકાસથી પીડાય છે ત્યારે પ્રમુખ વિલિયમ રુટો દ્વારા ‘સેવ ધ ચિલ્ડ્રન’ પહેલનો આરંભ કરાયો છે. કેન્યાની રાજધાની નાઈરોબીમાં પ્રાઈમરી સ્કૂલના બાળકોને ભોજન આપવાનો કાર્યક્રમ આગસ્ટ મહિનાની 28 તારીખથી શરૂ કરાનાર છે જે સમગ્ર આફ્રિકામાં સૌથી મોટો હશે. સરકારે 4 મિલિયન બાળકો માટે નેશનલ ફીડિંગ પ્રોગ્રામ માટે 36 મિલિયન ડોલરની ફાળવણી કરી છે. નાઈરોબી કાઉન્ટી અને ફૂડફોરએજ્યુકેશન વચ્ચે સહયોગથી હાલ 1.6 મિલિયન બાળકો માટે આ કાર્યક્રમ ચાલે છે.
કેન્યામાં ઓટમ ટર્મના આરંભે 10 નવા કિચન્સ શરૂ કરાશે જે નાઈરોબીમાં 225 પ્રાઈમરી શાળાઓ અને અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ કેન્દ્રોમાં બાળકો માટે દૈનિક 400,000 લન્ચ તૈયાર કરશે. અત્યારે નેશનલ ફીડિંગ પ્રોગ્રામ હેઠળ નાઈરોબીમાં 150 000 બાળકોને ભોજન અપાય છે. બાળકોની ભૂખ ભાંગવા ઉપરાંત, આ પહેલ થકી 3500 લોકોને રોજગારની તક અને સંખ્યાબંધ ખેડૂતો માટે બજારો ઉભા થશે. પ્રમુખ રુટોએ અન્ય કાઉન્ટીઓ યોગદાન માટે તૈયાર થાય તો ફાળવણી વધારવા ખાતરી આપી છે.