નાઈરોબીઃ કેન્યામાં બુધવાર 1 જૂને સ્વદેશી શાસનના પ્રતીક માડારાકા ડે (Madaraka Day)ની ઉજવણી નાઈરોબીના ઉહુરુ ગાર્ડન્સ ખાતે કરવામાં આવી હતી. કેન્યામાં સ્વદેશી શાસનનું આ 59મું વર્ષ છે. રિપબ્લિક ઓફ સિયેરા લિયોનના પ્રથમ દંપતી, રાજદ્વારીઓ, વાઈસ પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને રાજકીય નેતા રાઈલા ઓડિંગની હાજરીમાં પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ હજારોની મેદનીને સંબોધન કર્યું હતું.
કેન્યાટાએ કહ્યું હતું કે,‘ આપણા દેશના ઈતિહાસમાં ‘માડારાકા ડે’નું મહત્ત્વ છે કારણકે જૂન 1963ના આ દિવસે આપણા દેશના સ્થાપક વડેરાઓએ વિદાય લેતી સંસ્થાનવાદી સરકારનું સ્થાન લીધું હતું અને કેન્યાની સૌપ્રથમ સ્વદેશી સરકારની રચના કરી હતી.’ સત્તા પરના આખરી સત્તાવાર સમારંભમાં કેન્યાટાએ 9 ઓગસ્ટ, 2022ની આગામી સામાન્ય ચૂંટણીમાં મત આપવામાં શાંતિ અને સ્થિરતા તેમજ આશા અને પ્રગતિનો ખાસ વિચાર કરવા લોકોને અપીલ કરી હતી.
પ્રેસિડેન્ટ કેન્યાટા ફરી ચૂંટણી લડી શકે તેમ નથી પરંતુ, તેમના ડેપ્યુટી વિલિયમ રુટો અને હવે નવા સાથી રાઈલા ઓડિંગા પ્રમુખપદના અનેક ઉમેદવારોમાં સ્થાન ધરાવે છે જેમની વચ્ચે ભારે સ્પર્ધા થવાની છે.