નાઈરોબીઃ કેન્યામાં કેન્સરથી થતાં પુરુષ અને સ્ત્રીઓનાં મોતના કારણમાં અન્નનળીના કેન્સરનો મોટો હિસ્સો હોવાનું નવા ‘સ્ટેટસ ઓફ કેન્સર ઈન કેન્યા’ રિપોર્ટમાં જણાવાયું છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્યા દ્વારા ગુરુવાર બીજી ફેબ્રુઆરીએ સત્તાવાર રિપોર્ટ લોન્ચ કરાયો હતો. રિપોર્ટ મુજબ ઈસોફેગલ (અન્નનળીના) કેન્સરનું નિદાન કરાયેલા 10માંથી 9 વ્યક્તિ જીવન ગુમાવે છે. કેન્સરથી મોતમાં બીજો ક્રમ સર્વાઈકલ (ગર્ભાશયના મુખ) કેન્સર અને ત્રીજો ક્રમ બ્રેસ્ટ કેન્સરનો આવે છે. આ રિપોર્ટમાં 2021/2022ના ગાળામાં નેશનલ કેન્સર રજિસ્ટ્રીમાં નોંધાયેલી ઘટનાઓને આવરી લેવાઈ છે.
કેન્યામાં બિનચેપી રોગોથી થતાં મૃત્યુમાં કેન્સર બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. દર વર્ષે નવા આશરે 47,887 કેસ નોંધાય છે અને 32,500 મોત થાય છે. ડેટા મુજબ હાલ કેન્સરનું નિદાન કરાયેલા દર ત્રણમાંથી બે વ્યક્તિ મોતને ભેટે છે કારણકે કેન્સરના 70 ટકા કેસ એડવાન્સ્ડ તબક્કાના હોય છે જેમાં સારવાર અશક્ય બની રહે છે. કેન્યામાં કેન્સરના તમામ કેસમાંથી માત્ર આશરે 23 ટકા વેળાસર સ્ક્રીનિંગ અને નિદાનાત્મક મેળવી શકે છે.
કેન્યામાં સૌથી સામાન્ય કેન્સરમાં બ્રેસ્ટ (15.9 ટકા), સર્વાઈકલ (13.3 ટકા), ઈસોફેગલ (11.8 ટકા), પ્રોસ્ટેટ (10.1 ટકા) અને કોલોરેક્ટલ કેન્સર (7.1 ટકા)નો સમાવેશ થાય છે. બાળકોમાં કેન્સરના સૌથી વધુ કેસીસમાં લ્યુકેમિઆ (15 ટકા), બ્રેઈન ટ્યુમર્સ (11 ટકા), લિમ્ફોમાઝ અને કિડની (10 ટકા) અને નેસોફેરિંક્સ (7 ટકા) કેન્સર જોવા મળ્યા છે. કેન્યામાં કેન્સરના સૌથી વધુ કેસીસ ધરાવનારા પાંચ શહેરોમાં નાઈરોબી, નાકુરુ, કિઆમ્બુ, માચાકોસ અને ન્યેરી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.