નાઈરોબીઃ કેન્યામાં માર્ચ મહિનાથી 5.4 મિલિયનથી વધુ લોકોને ખોરાક મેળવવાની ભારે ચિંતાનો સામનો કરવો પડશે અને આ વર્ષે ઓછામાં ઓછાં 10 લાખ બાળકો કુપોષણથી પીડાશે તેવી ચેતવણી ઈન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન (IFSPC) સંસ્થાના રિપોર્ટમાં અપાઈ છે.
ઈસ્ટ આફ્રિકાના દેશો ગત દાયકામાં સૌથી ખરાબ દુકાળની હાલતનો સામનો કરી રહ્યા છે ત્યારે IFSPCની આગાહી મુજબ 47.5 મિલિયનની વસ્તી ધરાવતા કેન્યામાં તીવ્ર અન્ન અસલામતીનો સામનો કરી રહેલા 4.4 મિલિયન નાગરિકોમાં ભારે વધારો થશે. માર્ચ મહિનામાં વરસાદની આગાહી છે પરંતુ, હવામાન વિભાગે ઉત્તર કેન્યામાં વરસાદની સિઝન મોડી થવાનું જણાવ્યું છે. આ વિસ્તારમાં સતત છ વર્ષથી વરસાદની સિઝન નિષ્ફળ ગઈ છે ત્યારે કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ વરસાદ માટે ઈશ્વરની કૃપા ઈચ્છતી સામૂહિક પ્રાર્થનાનું આયોજન પણ કર્યું હતું.