નાઈરોબીઃ કેન્યામાં અંધવિશ્વાસી ધાર્મિક માન્યતાના કારણે 101થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ કેન્યાના તટવર્તી નગર માલિન્ડી નજીક શાકાહોલા જંગલ પાસેના રેન્ચમાંથી પોલીસ દફન કરી દેવાયેલા મૃતદેહો બહાર કાઢી રહી છે. અત્યાર સુધી 101 મૃતદેહ મળ્યા છે અને હજુ શોધ ચાલી રહી છે બીજી તરફ, આઠ લોકો લગભગ મોતના આરે હતા અને પાછળનું તેમનું મોત નીપજ્યું હતું. આમ આ કાળમુખી ઘટનાઓમાં 109 અનુયાયીના મોત થયા છે.. કેન્યાની રેડ ક્રોસ સોસાયટીએ લાપતા લોકોની સંખ્યા 213 હોવાનું જણાવ્યું છે. આથી, મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. જો મૃત્યુ સુધી ભૂખ્યા રહેવાનું વ્રત રાખશો તો સ્વર્ગમાં જવાશે અને ઈસુને મળાશે તેવા ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના પાદરી પોલ મેકેન્ઝીના વચનમાં વિશ્વાસ રાખી ઘણા અનુયાયીઓએ ભોજન લેવાનું બંધ કરી દીધું હતું અને મોતને શરણ થયા હતા. પોલીસે મેકેન્ઝીની ધરપકડ કરી હતી.
પાદરી મેકેન્ઝી સામે આતંકવાદના ચાર્જીસ લાગશે
ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના વડા પાદરી પોલ મેકેન્ઝીને મંગળવારે કેન્યાની કોર્ટમાં હાજર કરાયો હતો. ટુંકી સુનાવણી પછી કેસને કેન્યાના બીજા ક્રમના શહેર મોમ્બાસા ખાતે હાઈ કોર્ટમાં મોકલાયો હતો. અહીં તેની સામે ટેરરિઝમ એક્ટ હેઠળના ચાર્જીસ લગાવાશે. દરમિયાન, ધનવાન અને હાઈ પ્રોફાઈલ ટેલીઈવેન્જિલિસ્ટ એઝકેઈલ ઓડેરોની પણ આ જ કેસમાં ધરપકડ કરાઈ હતી અને તેની સામે પણ મોમ્બાસા હાઈ કોર્ટમાં કેસ ચલાવાશે. ઓડેરો હત્યા, આત્મહત્યાની ઉશ્કેરણી, અપહરણ, રેડકલાઈઝેશન, માનવતા વિરુદ્ધના અપરાધો, બાળ ક્રુરતા, ફોર્ડ અને મની લોન્ડરિંગનો શકમંદ છે.
કેન્યાની પોલીસને મેકેન્ઝીના સંપ્રદાયના ઓછામાં ઓછાં 31 અનુયાયીની કબરો વિશે ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે પોલીસે એપ્રિલ મહિનાની શરૂઆતમાં આ ગ્રૂપના 15 લોકોને બચાવી લીધા હતા. આ લોકોએ કહ્યું હતું કે તેમને મૃત્યુ સુધી ભૂખ્યા રહેવા કહેવાયું હતું. જોકે, બચાવાયેલા લોકોમાંથી 4 વ્યક્તિ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોતને શરણ થઈ હતી. બચાવી લેવાયેલા લોકોની સંખ્યા વધીને 44 થઈ છે. સ્થાનિક મીડિયાએ પોલીસ સૂત્રોને ટાંકતા કહ્યું હતું કે પાદરી મેકેન્ઝી સહિત કેટલાક લોકોએ પોલીસ કસ્ટડીમાં ખાવા-પીવાનો ઈનકાર કર્યો હતો.
ઈન્ટિરિયર મિનિસ્ટર કિથુરે કિન્ડિકીના જણાવ્યા મુજબ જંગલનો સમગ્ર 800 એકરનો વિસ્તાર સીલ કરીને અપરાધના સ્થળ તરીકે જાહેર કરાયો છે. કેન્યાની રેડ ક્રોસ સોસાયટીએ સરકારને 112 લોકોના ગૂમ થવાની જાણકારી આપ્યાના પગલે તપાસ શરુ કરાયા પછી દરિયાતટના શહેર માલિન્ડીના સીમાડે 800 એકરના જંગલમાં ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના અનુયાયીઓની વસાહત હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, રેડ ક્રોસ સોસાયટીએ લાપતા લોકોની સંખ્યા 300થી વધુ હોવાનું જણાવ્યું છે.
ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના વડા પાદરી પોલ મેકેન્ઝીએ તેના અનુયાયીઓને માલિન્ડી નજીકના રેન્ચમાં બોલાવ્યા હતા અને 15 એપ્રિલે દુનિયાનો અંત આવવાનો હોવાથી સૌ પહેલા સ્વર્ગમાં જવા અને જિસસને મળવા માટે આમરણ ભૂખ્યા રહેવા જણાવ્યું હતું. તેણે ભૂખ્યા રહી મરી ગયેલા લોકોને પોતાના રેન્ચમાં આડેધડ દફનાવ્યા હતા. બાળકોના મોતના સંદર્ભે પાદરીની અગાઉ 2019 અને આ વર્ષના માર્ચમાં ધરપકડ કરાઈ હતી અને બંને વખત તેને જામીન પર છોડાયો હતો. તેના વિરુદ્ધ આ બે કેસની કાર્યવાહી ચાલી જ રહી છે.
એક જ સંપ્રદાયના લોકોએ આત્મહત્યા કરી હોય અથવા હત્યા કરાઈ હોય તેવી બે મોટી ઘટનાઓ છે. 1978માં અમેરિકી ઉપદેશક જિમ જોન્સના 900 અનુયાયીઓએ ઝેર પીને સામૂહિક મોતને વહાલું કર્યું હતું. આ જ રીતે યુગાન્ડાના કાનુન્ગા સંપ્રદાયનો હત્યાકાંડ વર્ષ 2000માં થયો હતો જેમાં 700 અનુયાયીના મોત થયા હતા.