લંડન
કેન્યાના પ્રમુખ વિલિયમ રૂટોએ ઓગસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચન પ્રમાણે ફ્લેગશિપ ક્રેડિટ યોજના રિસોર્સફૂલ ફંડની સત્તાવાર જાહેરાત કરી હતી. દેશના અર્થતંત્રને વેગ આપવા સમાજના છેવાડાના માનવીને પણ આર્થિક પ્રવૃત્તિમાં જોડવા માટે આ યોજના અંતર્ગત આર્થિક સહાય અપાશે.
પ્રમુખ રૂટોની આ યોજના અંતર્ગત કેન્યાના કોઇપણ પુખ્તને 8 ટકાના વ્યાજદરે 50,000 સિલિંગ (400 યૂરો)ની પર્સનલ લોન અપાશે. મોબાઇલ ફોન પર મની ટ્રાન્સફર એપ્લિકેશન દ્વારા આ લોન મેળવી શકાશે. આ યોજના માટે સરકાર આગામી પાંચ વર્ષમાં 50 બિલિયન સિલિંગનું ફંડ ફાળવશે. માર્ચ 2023થી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અને મે 2023થી સ્ટાર્ટ અપ લોન આપવાનો પણ પ્રારંભ કરાશે.
યોજનાની જાહેરાત કરતા પ્રમુખ રૂટોએ જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા સરકાર સમાજના તદ્દન તળિયે બેઠેલા કરોડો લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. ઓછા વ્યાજદરની લોનના કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે અને દેશભરમાં ઉત્પાદન પ્રક્રિયાને વેગ આપવામાં મદદ મળી રહેશે.
આ યોજનામાં જોડાનારા લોકોએ બેન્કમાં બચત ખાતુ ખોલાવવાનું રહેશે. તેમને મળનારી લોનના પાંચ ટકા રકમ આ બચત ખાતામાં સીધી જમા થઇ જશે.
પાંચ કરોડની વસતી ધરાવતો કેન્યા ઇસ્ટ આફ્રિકાનું આર્થિક એન્જિન ગણાતો હોવા છતાં દેશની ત્રીજા ભાગની વસતી હજુ પણ ગરીબી રેખાની નીચે જીવવા મજબૂર છે.