નાઈરોબીઃ કેન્યાના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા બલૂન્સનો કાફલો કાર્યરત કરાયો હોવાની જાહેરાત ગૂગલના પ્રોજેક્ટ લૂન અને ટેલકોમ કેન્યા દ્વારા કરી છે. આફ્રિકામાં બલૂન દ્વારા અપાતી સર્વપ્રથમ ઈન્ટરનેટ સેવા છે અને વિશ્વમાં પણ પ્રથમ નોન-ઈમર્જન્સી કોમર્શિયલ ઈન્ટરનેટ વ્યવસ્થા છે. આ પ્રોજેક્ટમાં જમીનથી ૨૦ કિલોમીટરની ઊંચાઈએ ૩૫ કે વધુ બલૂન સતત ઉડતા રહેશે તેમજ મધ્ય અને પશ્ચિમ કેન્યામાં ૫૦,૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને 4G LTE સેવા પૂરી પાડશે.
આ બલૂન્સ યુએસમાંથી છોડાયાં છે અને હવાના પ્રવાહનો ઉપયોગ કરી તેને કેન્યા તરફ લઈ જવાય છે. પ્રોજેક્ટ લૂન અનુસાર કેન્યાના આકાશમાં ઉડ્ડયનના વધુ અનુભવ મેળવ્યા પછી વધુ બલૂન્સ છોડવામાં આવશે. આ ટેકનોલોજી કેન્યાના અંતરિયાળ વિસ્તારોમાં ઓછી કે જરા પણ સેવા ન મળતી હોય તેવા વિસ્તારોમાં રહેતા કેન્યાવાસીઓને કનેક્ટિવિટી પૂરી પાડશે. કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ માર્ચ મહિનામાં રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે આ બલૂન્સથી દેશ ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી અને ઈનોવેશનમાં સ્પર્ધાત્મક સરસાઈ જાળવવામાં મદદ કરશે.
વર્ષોથી કાર્યરત પ્રોજેક્ટ લૂનના બલૂન્સ વાવાઝોડામાં મોબાઈલ નેટવર્ક્સ બરાબર કામ કરતા ન હોય ત્યારે ઈમર્જન્સી કનેક્ટિવિટી પૂરી પાડવા ઉપયોગમાં લેવાતા રહ્યા છે. કોરોના મહામારીમાં ઓનલાઈન કામકાજની જરુરિયાત વધવા સાથે આ પ્રોજેક્ટનું કાર્ય પણ વધી રહ્યું છે. પોલિથીલીન શીટ્સમાંથી બનાવાયેલાં આ બલૂન્સનું કદ ટેનિસ કોર્ટ જેટલું હોય છે. આફ્રિકાની ૧.૩ બિલિયન વસ્તીના ૨૮ ટકાને જ ઈન્ટરનેટની સુવિધા મળતી હોવાનું એલાયન્સ ફોર એફોર્ડેબલ ઈન્ટરનેટના ૨૦૧૯ના રિપોર્ટમાં જણાવાયું હતું.