નાઈરોબીઃ કેન્યા સહિત આફ્રિકામાં ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના)ની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે, થોડા સમયથી તેનો વિરોધ થઈ રહ્યો છે અને પુરુષો પણ તેમાં જોડાયા છે. પશ્ચિમ કેન્યાના મિગોરી કાઉન્ટીના કુરિયાના શહેરોમાં પેરેન્ટ્સની બેઠકો મળતી હોય છે. જોકે, તેમાં ઓછી લોકો ભાગ લે છે.
માર્ચમાં ઈસ્ટરને લીધે સ્કૂલોમાં સાત વીકનું વેકેશન પડશે. તે સમયે ખતના વિરુદ્ધ ચાલતા અભિયાનનો અંત આવશે. વેકેશન દરમિયાન છથી ઉપરના સ્ટાન્ડર્ડમાં ભણતી છોકરીઓની ખતના વિધિ થાય છે. રજાઓ જેટલી વધારે હોય તેટલી વધુ છોકરીઓની ખતના થાય છે. આ સમયગાળામાં કુરિયાના શહેરોમાં મોટપાયે ખતના વિધિ થાય છે.
FGM ના વિરોધમાં વોલન્ટિયર્સનું અભિયાન,માનસિક અને શારીરિક હાનિ વિશે દરેક રેડિયો સ્ટેશન પર એક્ટિવિસ્ટ્સ દ્વારા કરાતી ચર્ચા, કમિટીઓ, કાયદો અને કેન્યાના પ્રમુખ પણ આ ગેરકાયદેસર પ્રથા સામે વિરોધ વ્યક્ત કરતા હોવા છતાં પરંપરાની તાકાત ખૂબ વધારે હોવાનું પૂરવાર થાય છે.