નાઈરોબીઃ કેન્યામાં એવોકાડો ક્ષેત્રમાં ખૂબ જ સારું વળતર મળતું હોવાથી ગુનેગારોની ટોળકીઓ તે ઉગાડનારાને લક્ષ્ય બનાવવા લાગી છે. માત્ર એક જ વૃક્ષના એવોકાડો વાર્ષિક ૪૫૦ પાઉન્ડની આવક રળી આપે છે. અમેરિકા અને યુરોપમાં આ ફ્રૂટની માગ વધી રહી છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને પાછળ પાડીને કેન્યા આ ખંડમાં એવોકાડોનું સૌથી મોટું નિકાસકાર બન્યું હતું.
કેન્યામાં ફેબ્રુઆરી અને ઓક્ટોબર વચ્ચે તેનો પાક લેવાય છે. પરંતુ, ચોરો કાચા ફ્રૂટની ચોરી કરે છે. તેના કાળા બજારને અટકાવવા ઓથોરિટીઝે નવેમ્બરથી જાન્યુઆરીના અંત સુધી એવોકાડોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
‘ગ્રીન ગોલ્ડ’ તરીકે ઓળખાતા આ પાકનું રક્ષણ કરવા માટે ચોકી કરતા ગ્રૂપની રચના કરાઈ રહી છે. રાત પડતાં જ મુરાન્ગા કાઉન્ટીના વિશાળ ફાર્મમાં જાડા રેઈનકોટ પહેરેલા હાથમાં ટોર્ચ અને અન્ય સાધનો સાથે સજજ છ યુવાનો તેમની શિફ્ટ શરૂ કરે છે. તેમને ચોરી અટકાવવાના કામે રખાયા છે.
અડધા એકરના ફાર્મના માલિકે જણાવ્યું હતું કે ચોરોનો ત્રાસ વધી ગયો હોવાથી તેમણે આ પગલું લેવું પડ્યું છે. આખા ફાર્મ ફરતે કાંટાળી વાડ કરાવીએ તો પણ તેમને અટકાવી શકાતા નથી. તેઓ વાડ કાપીને અંદર આવે છે.