નાઈરોબીઃ કોવિડ-૧૯ મહામારીને લીધે વપરાયેલા વસ્ત્રોની આયાત પર મૂકવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવા સેકન્ડ હેન્ડ કપડાના વેપારીઓએ રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાને અનુરોધ કર્યો હતો. મિતુમ્બા એસોસિએશન ઓફ કેન્યાના ચેરપર્સન તેરેસિયા જેંગાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા હંગામી પગલાં તરીકે મૂકાયેલો પ્રતિબંધ સતત ચાલુ રાખવામાં આવતા બે મિલિયન લોકોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. કેન્યા નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મેનપાવર સર્વે મુજબ જૂના કપડાં અને પગરખાંનો ઉદ્યોગ વિસ્તૃત લેબર ફોર્સના અંદાજે ૧૦ ટકાને રોજગારી આપે છે.
કેન્યા ઈન્ટિગ્રેટેડ હાઉસહોલ્ડ બજેટ સર્વે ૨૦૧૫-૧૬ મુજબ કેન્યાના ૫૧ ટકા પરિવારોએ વર્ષમાં દર ત્રણ મહિને વપરાયેલા કપડાં અને પગરખાં ખરીદ્યા હતા. જેંગાએ જણાવ્યું હતું કે ૨૦૧૯માં અંદાજે ૬.૨ મિલિયન પરિવારોએ દર ત્રણ મહિને જૂના કપડાં અને પગરખાં ખરીદ્યા હતા.
એસોસિએશનના સેક્રેટરી નેન્સી વાંગારીએ રિઓપનીંગ માટે સૂચિત નીતિનિયમો ટ્રેડ કેબિનેટ સેક્રેટરી બેટ્ટી મૈનાને સુપરત કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમાં આયાત કરાયેલા તમામ કપડાં અને પગરખાંને માર્કેટમાં મોકલતા પહેલા એન્ટ્રી પોઈન્ટ પર ફ્યુમિગેશનનો સમાવેશ થાય છે. તેમણે આયાતી વસ્તુઓમાં કોવિડ –૧૯ આવી જાય તેવું જોખમ લીધા વિના પ્રતિબંધ ઉઠાવી લેવાની શક્યતા ચકાસવા કેન્યા બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડ્સ (KFBS)ને સૂચના આપી હતી.
અન્ય અધિકારીઓ નિકોડેમસ સોનકોરો અને પીટર કંગેથેએ પણ અપીલને સમર્થન આપ્યું હતું. બ્રોકરો અને રિટેઈલરોનું પ્રતિનિધિત્વ કરતા સોનકોરોએ જણાવ્યું હતું કે રિટેલરો અને હોલસેલરો પાસેથી કપડાં અને પગરખાં મેળવતા નાના વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેઓ જે સ્ટોલ ચલાવતા હતા તે બંધ છે. હવે તો જે આયાતકારો આ વેપારમાં હતા તે કામકાજ બંધ કરીને પોતાના દેશ જઈ રહ્યા હોવાથી ચિંતા વધી ગઈ છે.