નાઈરોબીઃ કેન્યા સરકારે કોવિડ -૧૯ને ફેલાતો અટકાવવા માટે કરફ્યુ અને આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ જેવા નિયંત્રણો લાદ્યા હોવા છતાં ૨૦૨૦માં દેશમાં અકસ્માતોની સંખ્યા ૨૪.૨ ટકા વધીને ૮,૯૧૯ તથા મૃત્યુઆંક ૧૦.૮ ટકા વધીને ૩,૯૭૫ થયો હોવાનું કેન્યા નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (KNBS) ઈકોનોમિક સરવેમાં જણાયું હતું. તે જ રીતે ગંભીર ઘાયલોની સંખ્યા ૧૫.૫. ટકા વધીને ૮,૨૬ જ્યારે સામાન્ય ઈજાગ્રસ્ત લોકોની સંખ્યામાં ૪.૬ ટકા ઘટીને ૪,૯૬૯ થઈ હતી. કેન્યાના નાગરિકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા અને નાઈટ કરફ્યુને લીધે લોકોની હેરફેર ઓછી હોવા છતાં અકસ્માતોમાં વધારો નોંધાયો હતો.
આ સમયગાળા દરમિયાન લોકોની વર્તણુંક અને ડ્રાઈવિંગ પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયો હોવાનું આ વધારો સૂચવે છે.
માર્ગો પર ડ્રાઈવરોમાં પૂરઝડપે અને નશો કરીને વાહન ચલાવવા જેવા જોખમી વર્તનને લીધે રસ્તાઓ ઘાતક બન્યા હતા. મોટા શહેરી સેન્ટરોમાં કરફ્યુનો અમલ શરૂ થાય તે પહેલા પહોંચી જવાના પ્રયાસમાં અકસ્માતો થયા હોય તેવું બની શકે.