નાઈરોબીઃ કેન્યાની પબ્લિક હોસ્પિટલોમાં ડોક્ટરોએ સુગઠિત મેડિકલ છત્રની માગણી સાથે ગુરુવાર 14 માર્ચથી રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરેલી છે. કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના વર્કફોર્સમાં મેડિકલ ઈન્ટર્ન્સનો ફાળો 27 ટકા છે. અને તેમની ગેરહાજરીના પરિણામે, સામાન્ય દર્દીઓની હાલાકીમાં ભારે વધારો થયો છે. ડોક્ટરોનો આક્ષેપ છે કે 2017માં 100 દિવસની હડતાળ પછી જે સમજૂતી થઈ હતી તેમાં અપાયેલા વચનોનું સરકારે પાલન કર્યું નથી. સરકારે 1200 મેડિકલ ઈન્ટર્ન્સની જગ્યા ભરી નથી.
કેન્યા મેડિકલ પ્રેક્ટિશનર્સ ફાર્માસિસ્ટ્સ એન્ડ ડેન્ટિસ્ટ્સ યુનિયન (KMPDU)ના સેક્રેટરી જનરલ દાવજી ભીમજીએ જણાવ્યા મુજબ સરકાર સાથે વાતચીત કરવા યુનિયનને હડતાળ મુલતવી રાખવા લેબર કોર્ટના આદેશ છતાં, 4000 ડોક્ટરો હડતાળમાં સામેલ થયા હતા. ડોક્ટરોનો બેઝિક પગાર વધારવા અને સસ્પેન્ડ ડોક્ટર્સને પુનઃ કામે રાખવા ત્રણ કોર્ટ ઓર્ડ્રર્સની સરકારે અવગણના કરી છે તે જ રીતે ડોકટર્સે લેબર કોર્ટનો આદેશ માન્યો નથી. યુનિયનના ડેપ્યુટી સેક્રેટરી જનરલ ડો. ડેનિસ મિસ્કેલાહે જણાવ્યું હતું કે ડોક્ટરો કામકાજ સંબંધિત હતાશાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે.