કેન્યામાં દર વર્ષે પાંચ અબજ વૃક્ષ ઉછેરવાના મહાકાય અભિયાનનો પ્રારંભ

દરેક નાગરિકને 300 વૃક્ષ ઉછેરવાનો લક્ષ્યાંક અપાયો, મોટાપાયે નર્સરીઓ શરૂ કરાઇ

Wednesday 21st December 2022 05:53 EST
 
 

લંડન

કેન્યાની ન્યેરી કાઉન્ટીમાં વૃક્ષારોપણના એક મહાકાય અભિયાનનો પ્રારંભ કરાયો છે. ન્યેરી કાઉન્ટીમાં દર સપ્તાહે 2,58,000 વૃક્ષના છોડ રોપવાના અભિયાનનો પ્રારંભ કાઉન્ટી કમિશ્નર મોહમ્મદ બારી દ્વારા કરાયો હતો. બારેએ જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે પાંચ અબજ વૃક્ષ ઉછેરવાની યોજના અંતર્ગત અમારી કાઉન્ટીમાં પણ આ કાર્યનો પ્રારંભ કરાયો છે. કેન્યાના પ્રમુખે દેશના દરેક નાગરિકને 300 વૃક્ષ વાવીને સરકારને સહાય કરવાની અપીલ કરી છે. કમિશ્નરે કાઉન્ટીના દરેક સ્થળે પ્રતિ સપ્તાહ 3000 રોપા મોકલવાનું ટાર્ગેટ નક્કી કર્યું છે. બારી કહે છે કે અમે 12 ફોરેસ્ટ સ્ટેશન ખાતે વૃક્ષના રોપા ઉછેરી રહ્યાં છીએ.

તેમણે જણાવ્યુ હતું કે, અમે આબેરદેરેસમાં પાંચ ફોરેસ્ટ સ્ટેશન અને માઉન્ટ કેન્યાના સાત ફોરેસ્ટ સ્ટેશન ખાતેથી પણ વૃક્ષના રોપા મેળવી રહ્યાં છીએ. હાલ કાઉન્ટીમાં 86 સ્થળ છે તેમાંથી 40 સ્થળે નર્સરી શરૂ કરવામાં આવી છે. આ નર્સરીઓ પણ વૃક્ષના રોપા ઉપલબ્ધ કરાવશે.

ન્યેરી સાઉથ સબ કાઉન્ટીના ફોરેસ્ટ ઓફિસર જોશ પટેલે જણાવ્યું હતું કે, અમે શિક્ષણ સંસ્થાઓને પણ આ અભિયાનમાં સામેલ કરી રહ્યાં છીએ. જેમાં વિદ્યાર્થીઓને વૃક્ષોના ઉછેરની જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ અભિયાનમાં 500 પ્રાયમરી અને સેકન્ડરી સ્કૂલોને સામેલ કરાઇ છે. તે ઉપરાંત પોલિટેકનિક અને અન્ય ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓને પણ સાંકળવામાં આવી રહ્યાં છે.

પટેલે જણાવ્યું હતું કે, અમે ટી અને કોફી ફેક્ટરીઓ પાસેથી પણ સહાય મેળવી રહ્યાં છીએ. વૃક્ષોનો ઉછેર સારી રીતે થાય તે માટે અમે વૃક્ષો દત્તક આપવાનો અભિગમ અપનાવ્યો છે. વૃક્ષ દત્તક લેનારે તે વૃક્ષ સંપુર્ણપણે ન ઉછરે ત્યાં સુધી તેની જવાબદારી લેવી પડશે.

હાલ કેન્યામાં કુલ વન વિસ્તાર ફક્ત 8.83 ટકા જ રહી ગયો છે. દેશ છેલ્લા 40 વર્ષના સૌથી દારૂણ દુકાળનો સામનો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં વન્ય જીવો માર્યા ગયા છે ત્યારે દેશ દ્વારા પર્યાવરણની જાળવણી અને વનોના વિસ્તાર માટે આ મહાકાય વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter