નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ શુક્રવાર પહેલી સપ્ટેમ્બરે મોમ્બાસા કાઉન્ટીમાં 1,000 ઈલેક્ટ્રિક મોટરબાઈક્સ સાથે નેશનલ ઈ-મોબિલિટી પ્રોગ્રામને લોન્ચ કર્યો હતો. નાઈરોબીમાં સૌપ્રથમ આફ્રિકા ક્લાઈમેટ સમિટ યોજાવાની છે ત્યારે આ પ્રોગ્રામ હેઠળ કેન્યા સરકાર દેશમાં 10,000 ઈ-મોબિલિટી મોટરસાઈકલ્સની આયાત કરશે અને એક વર્ષમાં ઈલેક્ટ્રિક મોટરબાઈક્સની ફેક્ટરી શરૂ કરી દેવાશે.
પ્રેસિડેન્ટ રુટોએ જણાવ્યું હતું કે કેન્યાના માર્ગો પર આશરે બે મિલિયન મોટરબાઈક્સ દોડે છે. આ કમ્બશ્ચન પ્રક્રિયાના એન્જિન સાથેની મોટરબાઈક્સ તબક્કાવાર દૂર કરવામાં આવનાર છે. ઈલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાથી પોલ્યુશન, આરોગ્ય પર જોખમી અસરો અને ફ્યૂલ ખર્ચના પડકારોનો સામનો કરી શકાશે. નવા આફ્રિકન સ્ટાર્ટઅપ સ્પાઈરો દ્વારા બેનિન,ટોગો, રવાન્ડા અને યુગાન્ડા સહિતના આફ્રિકન દેશોમાં આશરે 10,000 ઈલેક્ટ્રિક મોટરબાઈક્સ દાખલ કરી દેવાઈ છે. આફ્રિકામાં 350 બેટરી ચાર્જિંગ અને અદલાબદલીના સ્ટેશન કાર્યરત છે ત્યારે કેન્યામાં નવા 3,000 સ્ટેશન ઉભા કરવાની યોજના છે. કેન્યામાં 4.4 મિલિયન નોંધાયેલા વાહનો છે જેમાં, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EVs) ની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે.