નાઈરોબીઃ હોર્ન ઓફ આફ્રિકામાં સતત દુકાળના વર્ષો પછી અન્નસુરક્ષાની હાલત ઘણી વણસી છે ત્યારે ગ્રામીણ મહિલાઓએ મજૂરી કરવા બહાર નીકળવું પડ્યું છે. મેરુ કાઉન્ટીમાં નદીઓ સુકાયેલી છે ત્યાં વયોવૃદ્ધ સ્ત્રીઓ પણ પરિવારને અનાજ અને વસ્ત્રો પૂરા પાડી શકાય તે માટે મજબૂરીમાં ક્વોરીમાં બિલ્ડિંગ ઈન્ડસ્ટ્રી માટે જરૂરી પથ્થરો તોડવાનું તનતોડ મહેનતનું કામ કરવા જાય છે.
મેરુ કાઉન્ટીની લુસી ટોહો 65 વર્ષની છે અને તેને 9 સંતાન છે. શાળામાં ફી નહિ ભરી શકાતા બાળકોને સ્કૂલ મોકલી શકાતા નથી. વરસાદ નિષ્ફળ જવાથી ખેતીકામ ઉત્પાદક રહ્યું નથી. પતિ વૃદ્ધ હોવાથી કામ કરી શકતો નથી. આથી ટોહોના માથે પરિવારનું ગુજરાત ચલાવવાની જવાબદારી આવી પડી છે અને તે ખાણ- ક્વોરીમાં પથ્થરો તોડવાનું કામ કરે છે. આ વ્યથાકથા માત્ર ટોહોની નથી. તેના જેવી અનેક ગ્રામીણ સ્ત્રીઓ 10 કિલો પથ્થર તોડવાના કામમાં લાગેલી છે. તેમને 10 કિલોના 20 કન્ટેઈનર પથ્થર વેચવાના 3.8 યુએસ ડોલર મળે છે અને તેનું બજાર પણ સ્થિર ન હોવાથી ઘણી વખત વેચાણ થાય તેના બે ત્રણ મહિના લાગી જાય છે.
યુનિવર્સિટી ઓફ નાઈરોબીમાં પર્યાવરણીય સંચાલનના સંશોધક જેન મુટુનેના કહેવા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે મહિલાઓ જ પરિવાર માટે કમાણી કરે છે. આ મહિલાઓ કુદરતમાં જ જીવનનિર્વાહ મેળવે છે અને ક્લાઈમેટ ચેઈન્જના કારણે કુદરતને અસર થાય છે ત્યારે તેમની કમાણીના સ્રોતને વિપરીત અસર નડે છે.
વર્લ્ડ મટીરીઓલોજિકલ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ કહે છે કે હોર્ન ઓફ આફ્રિકામાં ઘણા વર્ષોથી ચાલતા દુકાળના પરિણામો 2023માં પણ યથાવત રહેશે અને કોમ્યુનિટીઓને તાકીદે સહાયની જરૂરિયાત રહેશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) અનુસાર આ વિસ્તારોમાં સતત ત્રણ વર્ષ વરસાદની નિષ્ફળતાથી 22 મિલિયન લોકો અન્નની તીવ્ર અસલામતી અનુભવી રહ્યા છે. સોમાલિયા, ઈથિયોપિયા અને કેન્યામાં 501 મિલિયન બાળકો કુપોષિત છે. માત્ર કેન્યામાં જ પાંચ વર્ષથી ઓછી વયના એક મિલિયન બાળકો તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ ભારે કુપોષણથી પીડાય છે.