નાઈરોબીઃ કેન્યામાં પર્યટકોનો ધસારો વધી રહ્યો છે. અગાઉના વર્ષની સરખામણીએ 2022ના જાન્યુઆરીથી નવેમ્બર સુધીના ગાળામાં કેન્યાની મુલાકાત લેનારા પ્રવાસીની સંખ્યામાં 74.5 ટકાનો ઉછાળો નોંધાયો હોવાનું કેન્યા ટુરિઝમ બોર્ડ (KTB) દ્વારા જણાવાયું છે. 2021ના જાન્યુઆરી-નવેમ્બર ગાળામાં 870,465 લોકો કેન્યા આવ્યા હતા જેની સરખામણીએ 2022ના આ જ ગાળામાં 1,321,887 લોકો કેન્યા આવ્યા હતા.
વર્ષ 2019માં 1.97 મિલિયન લોકો કેન્યાના પ્રવાસે આવ્યા હતા તે પછી આ સુધારો નોંધાયો છે. કેન્યાના પ્રવાસે આવવાનું સૌથી લોકપ્રિય કારણ આનંદપ્રમોદનું છે. કુલ પર્યટકોના 39.6 ટકા લોકો રજાઓ માણવા આવ્યા હતા. બીજી તરફ, 344, 256 (26 ટકા) પ્રવાસીઓ વિઝિટિંગ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્ઝ (VFR) કેટેગરીના હતા. બિઝનેસ અને MICE કેટગરીના 345,123 (26.1 ટકા) પ્રવાસીઓ હતા.
જાન્યુઆરી-નવેમ્બર 2022ના ગાળામાં કેન્યા આવનારા પ્રવાસીઓમાં અમેરિકાના સૌથી વધુ 190,187 (14.4 ટકા), યુગાન્ડા 132,942 (10.1 ટકા), યુનાઈટેડ કિંગ્ડમ 117,691 (8.9 ટકા), ટાન્ઝાનિયા 110,603 (8.4 ટકા) અને ભારતના 74,020 (5.6 ટકા) પ્રવાસીનો સમાવેશ થયો હતો.કોવિડ-19 મહામારીના કારણે કેન્યાના ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન થયું હતું. સંખ્યાબંધ હોટેલ્સ બંધ થઈ હતી અને લાખો લોકોએ નોકરીઓ ગુમાવવી પડી હતી. હવે પરિસ્થિતિમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે.