નૈરોબી: પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનનાં કારણથી ૩૪ લોકોનાં મોત થયા છે. કેન્યા ગૃહ પ્રધાન ફ્રેડ માતિઆંગીનાં જણાવ્યા પ્રમાણે પોકોટ સેંટ્રલ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનનાં કારણે ૧૭ લોકોનાં મોત થયાં છે. દક્ષિણી પોકોટમાં પરૂઆ અને તપાચ ગામોમાં ભૂસ્ખલનનાં કારણે ૧૨ લોકોનાં મૃત્યુ થયાં છે.
પશ્ચિમી પોકોટ કાઉન્ટીનાં કમિશ્નર ઓકેલોનાં જણાવ્યા પ્રમાણે બે નદીઓમાં પૂર આવ્યા પછી સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. તંત્રના જણાવ્યા પ્રમાણે મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.
કીટાલે અને લોડવારની વચ્ચે ૨૪મીએ એક કાર પણ પૂરની ઝપેટમાં આવી ગઈ ત્યારબાદ ૫ અન્ય લોકોનાં પણ મોત થઈ ગયાં છે.
સોમાલિયા, સુદાન અને કેન્યામાં સામાન્ય દિવસો કરતા વધારે વરસાદ થવાથી પૂરની સ્થિતિ છે. આ પૂરથી પૂર્વ આફ્રિકાનાં ૧૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.