નાઈરોબીઃ કેન્યામાં ફ્યુઅલના ભાવમાં વધારો થતાં કોવિડ -૧૯ મહામારીને લીધે અગાઉથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા લોકોની તકલીફ વધવાની શક્યતાને લીધે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દેશના એનર્જી રેગ્યુલેટરે ૧૫ સપ્ટેમ્બરને બુધવારે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સબસિડી પાછી ખેંચી લીધી હતી તેને લીધે હવે ફ્યુઅલના ભાવ વિક્રમસ્તરે પહોંચી ગયા છે. નાઈરોબીમાં પેટ્રોલનો ભાવ લગભગ છ ટકા વધીને લીટર દીઠ લગભગ ૧૩૫ શિલીંગ (£૦.૮૮) પર પહોંચી ગયો હતો. પેટ્રોલ પર ૧લી ઓક્ટોબરથી પાંચ ટકા એક્સાઈઝ ડ્યૂટી લાગશે તેને લીધે ભાવ હજુ વધશે. જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થવાથી લોકોના રોષને શાંત પાડવા માટે આ વર્ષે સબસિડી અમલી બનાવાઈ હતી.