નાઈરોબીઃ પૂર્વ આફ્રિકામાં સૌથી મોટાં અર્થતંત્ર કેન્યામાં સામાન્ય ચૂંટણી અને પ્રમુખપદની ચૂંટણી માટે મંગળવાર, 9 ઓગસ્ટની સવારથી મતદાન શરૂ કરી દેવાયું હતું. આશરે 22.1 મિલિયન કેન્યાવાસી નવા પ્રમુખ તેમજ પાર્લામેન્ટ અને ગવર્નર્સને ચૂંટવા બંધારણીય મતાધિકારનો ઉપયોગ કરશે. વર્તમાન વાઈસ પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ચૂંટણીના પરિણામો 18 ઓગસ્ટ સુધી આવી જવાની ધારણા છે. જોકે, પ્રમુખપદની ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ હોવાથી બીજા રાઉન્ડની શક્યતા પણ જોવાઈ રહી છે.
દરમિયાન, કેન્યાના ચૂંટણીપંચ IEBCએ મતપત્રોમાં ખોટી વિગતો અને ઉમેદવારોની ઈમેજ ખોટી હોવાના કારણે ચાર વિસ્તારોમાં મતદાનને સસ્પેન્ડ કરાવી દીધું હતું. આ ચાર વિસ્તારોમાં મોમ્બાસા અને કાકામેગા માટે ગવર્નરની બેઠકો તેમજ કાચેલિબા અને પોકોટ સાઉથની સંસદીય બેઠકોનો સમાવેશ થાય છે. અગાઉ, વિવિધ સંજોગોમાં ઉમેદવારોના મૃત્યુના કારણે ચાર વોર્ડ્સમાં ચૂંટણી સસ્પેન્ડ કરાવાઈ છે.
વર્તમાન પ્રમુખ ઉહુરુ કેન્યાટા બંધારણીય મર્યાદાના કારણે વધુ મુદત માટે ચૂંમટણી લડી શકે તેમ નથી. કેન્યાટાએ 77 વર્ષીય જૂના જોગી અને એક સમયના પ્રતિસ્પર્ધી રાઈલા ઓડિન્ગાને સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ, 55 વર્ષના વિલિયમ રુટોના કેન્યાટા સાથે રિસામણા ચાલે છે. તેઓ બે ટર્મ માટે દેશના ડેપ્યુટી પ્રમુખ રહેવા છતાં પોતાને પોલિટિકલ આઉટસાઈડર ગણાવે છે.
કેન્યાની ચૂંટણીમાં 22 મિલિયનથી વધુ મતદારોએ મત આપવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. કેન્યામાં સામાન્યપણે મતદાનનું પ્રમાણ ઊંચુ રહે છે અને 2017માં 80 ટકા મતદાન નોંધાયું હતું અને આ વર્ષે પણ ટકાવારી ઊંચી રહેવાની શક્યતા છે. જોકે, પ્રથમ વખત મતદાન કરવા લાયક યુવાનોમાંથી માત્ર 50 ટકાએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.