નાયરોબી
કેન્યામાં પ્રમુખપદની ચૂંટણીઓ માટે 9 ઓગસ્ટના રોજ મતદાન યોજાય તે પહેલાં જ ધાંધલીના અહેવાલો સામે આવી રહ્યાં છે. કેન્યા પોલીસે ચૂંટણી પંચ માટે કામ કરતા ત્રણ કોન્ટ્રાક્ટરની નાયરોબીના મુખ્ય એરપોર્ટ ખાતેથી શંકાસ્પદ મતદાન મટિરિયલ સાથે ધરપકડ કરી હતી. આ ધરપકડોના કારણે કેન્યામાં ચૂંટણી પહેલાં તણાવમાં વધારો થયો છે. અગાઉ પણ ચૂંટણીમાં ધાંધલીના આરોપોના કારણે કેન્યા ભારે હિંસાનો સામનો કરી ચૂક્યો છે.
કેન્યા પોલીસે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોના અંગત સામાનમાંથી ચૂંટણી સંબંધિત સંવેદનશીલ સ્ટીકરો મળી આવ્યા હતા. તેમણે પોતાના સામાનમાં આ પ્રકારનો સંવેદનશીલ સામાન હોવાની સ્પષ્ટતા કરી નહોતી. જો કે પાછળથી એક વિદેશીને છોડી મૂકાયો હતો.
કેન્યાના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, વોટિંગ ટેકનોલોજી પૂરી પાડતી કંપની સ્માર્ટમેટિકના 3 કર્મચારીની જોમો કેન્યાત્તા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરાઇ હતી. ચૂંટણી પંચે મતદાન માટે સોફ્ટવેર, હાર્ડવેર અને એસેસરિઝ પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ આ કંપનીને આપેલો છે.
ચૂંટણી પંચના ચેરમેન વફુલા ચેબુકાતીએ જણાવ્યું હતું કે, પોલીસે કોઇપણ ઉચિત કારણો વિના જ 3 વ્યક્તિની ધરપકડ કરી હતી. જો કે પોલીસે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓ ચૂંટણી માટેનો સામાન લઇને આવી રહ્યાં છે તેવી માહિતી અમને પહેલેથી આપવામાં આવી નહોતી. હંમેશની પ્રક્રિયા પ્રમાણે મતદાનના મટિરિયલ સાથે ચૂંટણી પંચના કોઇ અધિકારી હાજર નહોતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ 3 વ્યક્તિ પાસેથી જપ્ત કરાયેલું મટિરિયલ આગામી પ્રમુખપદની ચૂંટણીના મતદાનમાં ઉપયોગમાં લેવાનારું હતું.