નાઈરોબીઃ કેન્યામાં પ્રમુખપપદની ચૂંટણી માટે 9મી ઓગસ્ટે મતદાન યોજાશે. વર્તમાન પ્રમુખ ઉહુરૂ કેન્યાટાના અનુગામી બનવા માટે ચૂંટણીમાં ચાર ઉમેદવારો હવે મેદાનમાં છે. કેન્યાટા પાંચ વર્ષની સતત બે મુદત માટે પ્રમુખ તરીકે રહ્યાં હોવાથી બંધારણની જોગવાઇ અનુસાર હવે તેઓ પ્રમુખપદની હોડમાં જોડાઇ શકે તેમ નથી.
કેન્યાના ચૂંટણી પંચે ઉમેદવારોની 6 જૂને સમીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરી મેદાનમાં ઉતરેલા 55 ઉમેદવારમાંથી ચાર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતરવાની પરવાનગી આપી છે. પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી માટે અયોગ્ય ઠરેલા ઉમેદવારોમાં જાણીતા સાંસદ એકુરુ ઔકોટ અને સ્વતંત્ર ઉમેદવાર જર્મિયા યાગાહનો સમાવેશ થાય છે. કેન્યાની આ મહત્ત્વની ચૂંટણીમાં મુખ્ય જંગ વિપક્ષના નેતા રાઈલા ઓડિંગા અને હાલના નાયબ પ્રમુખ વિલિયમ રુટો વચ્ચે યોજાવાનો છે. આ જંગમાં રાઈલા ઓડિંગાનું પલડું ભારે જણાય છે કારણ કે વર્તમાન પ્રમુખ કેન્યાટા જાહેરમાં ઓડિંગાને સમર્થન આપી ચૂક્યા છે.
કેન્યાના પ્રમુખપદ માટેના ચાર મુખ્ય દાવેદાર
1. રાઈલા ઓડિંગા - ઓરેન્જ ડેમોક્રેટિક મૂવમેન્ટઃ રાઈલા ઓડિંગા પાંચમીવાર પ્રમુખપદના જંગમાં ઝૂકાવી રહ્યા છે. 1997માં પહેલીવાર તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. ઓડિંગા કેન્યાના લોકપ્રિય રાજકીય નેતાઓ પૈકીના એક છે. તેમને રાજનીતિ પિતા અને કેન્યાના સ્વતંત્ર સંગ્રામના હીરો જારામોગી ઓડિંગા પાસેથી વારસામાં મળી છે. જારામોગી કેન્યાના પ્રથમ ઉપપ્રમુખ બન્યા હતા. 77 વર્ષીય ઓડિંગા 2008થી 2013 સુધી પ્રમુખ મ્વાઇ કિબાકીની સરકારમાં વડા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે.
2. વિલિયમ રુટો - યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીઃ વિલિયમ રુટો સૌપ્રથમ 1992માં કેન્યાના લોકપ્રિય લોબી ગ્રુપ યૂથ ફોર કાનુ92ની રચનામાં મદદ કરીને જાણીતા બન્યા હતા.2007થી તેઓ સાંસદ અને કેબિનેટ મંત્રી તરીકેની સેવાઓ આપતા રહ્યાં છે. 2013માં પ્રમુખ કેન્યાત્તા સાથે ચૂંટાઇ આવ્યા બાદ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ચૂકી છે. કેન્યાત્તા રૂતોને ભ્રષ્ટાચારી અને સત્તાલાલચુ ગણાવી રહ્યા છે. રૂતો પર આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં હત્યા અને હિંસાના ખટલા પણ ચાલી ચૂક્યા છે. વિલિયમ રૂતો રૈસા ઓડિંગાને મજબૂત પ્રતિસ્પર્ધા આપે તેમ મનાય છે.
3. ડેવિડ મ્વૌરે વૈહિગા - એગાનો પાર્ટીઃ વકીલાતનો 35 કરતા વધુ વર્ષનો અનુભવ ધરાવતા ડેવિ઼ડ વૈહિગા છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી રાજનીતિમાં સક્રિય હોવા છતાં કેન્યામાં એટલા જાણીતા બન્યા નથી. ડેવિડે સૌથી પહેલા 2013માં એગાનો પાર્ટીના નેજા હેઠળ પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી પરંતુ લામુ કાઉન્ટીના ગવર્નરપદની ચૂંટણી લડવા તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી તેમ છતાં તેઓ ગવર્નરની ચૂંટણી પણ હારી ગયા હતા. તેઓ માને છે કે કેન્યાની સમસ્યાઓના ઉકેલ માટે યુવા નેતાઓની દેશને જરૂર છે.
4. જ્યોર્જ વજેકોયાહ – રૂટ્સ પાર્ટીઃ વ્યવસાયે વકીલ એવા 61 વર્ષીય જ્યોર્જ વજેકોયાહ તેમના વિવાદાસ્પદ રાજકીય સ્ટંટ અને ટિપ્પણીઓ માટે જાણીતા છે. જ્યોર્જ તેમના અલગ પ્રકારના ગુણોના આધાર મેદાનમાં ઉતરી રહ્યા છે. તેઓ કેન્યામાં ગાંજાના સેવનને કાયદેસર બનાવવાની તરફેણ કરે છે. તેમનું માનવું છે કે આમ કરવાથી કેન્યા પર રહેલા તોતિંગ દેવામાં ઘટાડો કરી શકાશે. તેઓ સ્નેક ફાર્મિંગને પ્રોત્સાહન આપવા અને 3 દિવસનું વીકએન્ડ રાખવાની તરફેણ કરે છે જેથી અર્થતંત્રને વેગ મળી શકે. તેઓ 6 મહિના સુધી બંધારણને સ્થગિત કરી દેવાની પણ હિમાયત કરી રહ્યા છે.