નાઈરોબીઃ મોમ્બાસા ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ હાલ નિષ્ક્રિય નેશનલ સુપર અલાયન્સ (Nasa) ગઠબંધનને ભૂતપૂર્વ વડા પ્રધાન રાઈલા ઓડિંગાને સમર્થન આપવા જણાવ્યું હતું. પરંતુ, ઓડિંગા માટે ગઠબંધનના ભૂતપૂર્વ સહયોગીઓ સાથે સમજૂતી કરવાના પ્રેસિડેન્ટ કેન્યાટાના પ્રયાસોને ભારે ધક્કો લાગે તેમ છે કારણ કે સહયોગીઓને ગઠબંધન ચૂંટણી જીતશે તો સત્તાની વહેંચણીની સમજૂતીના પાલન વિશે શંકા છે.
ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ્સ કાલોન્ઝો મુસયોકા અને મુસાલીયા મુદાવાદી ૨૦૧૭માં થયેલી ગઠબંધન સમજૂતી બતાવીને પ્રેસિડેન્ટપદ મેળવવા પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. તે સમજૂતી મુજબ ઓડિંગાએ ૨૦૨૨ની ચૂંટણીમાં પ્રેસિડેન્સીની પોતાની અપેક્ષા છોડી દીધી હતી. તે પછી તેઓ બે અન્ય પક્ષોના નેતા સાથે મળીને વન કેન્યા અલાયન્સ (OKA)ની રચના કરવા આગળ વધ્યા હતા. આ વર્ષે પ્રેસિડેન્ટની નીકટના વર્તુળના કેટલાક પ્રભાવશાળી લોકો તેમની ઉમેદવારી માટે આગેવાની કરી રહ્યા છે તેવા અહેવાલોથી તેઓ વધુ પ્રોત્સાહિત થયા હતા.
આ બેઠકમાં શાસક જ્યૂબીલી પાર્ટી અને ઓડિગાની ODM પછી ત્રીજા ક્રમે સૌથી વધુ સાંસદો ધરાવતા વાઈપર ડેમોક્રેટિક પાર્ટીના મુસયોકાએ મોમ્બાસા હાઉસ મિટીંગના એક દિવસ અગાઉ પ્રેસિડેન્શિયલ કેમ્પેઈન શરૂ કરીને તાજેતરની વાટાઘાટોમાં પોતાનો હિસ્સો વધારવાની વાત કરી હતી.
છેલ્લાં બે દાયકામાં દરેક ચૂંટણી પછી કેન્યાના રાજકારણ વિશે ચર્ચા માટે મળતા આ ચારેય લોકો ગઠબંધનના ભંગ થયેલા વચનોમાં એકબીજાના વિરોધી છે.