નાઈરોબીઃ કેન્યાના પાટનગર નાઈરોબીથી પૂર્વમાં ૨૦૦ કિ.મીના અંતરે આવેલી એન્ઝિયુ નદીમાં ક્વાયર મેમ્બર્સને લગ્નપ્રસંગે લઈ જતી એક બસ પડી જતાં ૨૩ લોકોનું મૃત્યુ થયું હતું. મ્વીંગી ઈસ્ટના સબ કાઉન્ટી પોલીસ કમાન્ડર જોસેફ યાકને જણાવ્યું કે બ્રીજ પર પૂરના પાણી ફરી વળ્યા હતા તે છતાં ડ્રાઈવરે બસને કાઢવાનો પ્રયાસ કર્યો હતોતાં તે પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પોલીસે ઉમેર્યું કે ૧૮ લોકોને બચાવી લેવાયા હતા.
મ્વીંગી કેથોલિક ચર્ચના ક્વાયરના સભ્યો તેમના સહયોગીના લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે કિતુઈ કાઉન્ટીમાં આ અકસ્માત થયો હતો. . કિતુઈ ગવર્નર ચેરિટી ન્ગીલુએ જણાવ્યું કે આ અકસ્માત ભયંકર હતો. જોકે, કેટલાંક લોકો બસ ડૂબી જાય તે પહેલા કૂદી પડ્યા હતા તેમને સહીસલામત બહાર કઢાયા હતા. તેમણે ઉમેર્યું કે બસમાં હજુ વધુ મૃતદેહો છે અને તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
ડેપ્યૂટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો સહિત અગ્રણીઓએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને વાહન ચાલકોને ખૂબ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા તાકીદ કરી હતી.