નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ રાષ્ટ્રવ્યાપી વિરોધના કારણે પડતા મૂકાયેલા ટેક્સવધારાથી બજેટમાં લગભગ 2.7 બિલિયન ડોલરની ખાધને પૂરવા લગભગ આટલા જ મૂલ્યના ખર્ચકાપ અને વધારાનું કરજ લેવાની દરખાસ્તો મૂકી છે. દરમિયાન, કેન્યાની કેબિનેટ અને પાર્લામેન્ટના સભ્યો માટે સૂચિત વેતનવધારો હાલ અટકાવી દેવાની જાહેરાત સેલરીઝ એન્ડ રેમ્યુનરેશન કમિશન (SRC) દ્વારા કરવામાં આવી છે.
177 બિલિયન શિલિંગ્સના ખર્ચકાપની દરખાસ્તો
દરમિયાન, પ્રેસિડેન્ટ રુટોએ ટેલિવાઈઝ્ડ પ્રસારણમાં જણાવ્યું હતું કે તેઓ આ મહિને શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે કુલ 177 બિલિયન શિલિંગ્સ (1.39 બિલિયન ડોલર)ના ખર્ચકાપ માટે પાર્લામેન્ટને જણાવશે અને સરકાર આશરે 169 બિલિયન શિલિંગ્સનું કરજ વધારશે. પ્રેસિડેન્ટ રુટો બજેટખાધ ઘટાડવા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવા ધિરાણકારોની માગણી અને જીવનનિર્વાહ કટોકટી સામે ઝઝૂમી રહેલી કેન્યાની વસ્તીના વિરોધ વચ્ચે ફસાઈ ગયા છે. ફાઈનાન્સ બિલ પાછું ખેંચાવાથી કેન્યા તેના IMF પ્રોગ્રામના લક્ષ્યો ગુમાવશે.
કરકસરના પગલામાં 47 સરકારી કોર્પોરેશનોનું વિસર્જન, સરકારના સલાહકારોની સંખ્યામાં ઘટાડો, જાહેર પદાધિકારીઓ દ્વારા અનાવશ્યક પ્રવાસ પર પ્રતિબંધ, પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટના જીવનસાથીઓ માટે બજેટ ફાળવણી પર મર્યાનો સમાવેશ થાય છે.
કેબિનેટ અને સાંસદોનો પગારવધારો અટક્યો
સેલરીઝ એન્ડ રેમ્યુનરેશન કમિશન (SRC)ના ચેરપર્સન લીન મેન્ગિચે વર્તમાન આર્થિક સંજોગોને ધ્યાનમાં રાખી કેન્યાની કેબિનેટ અને પાર્લામેન્ટના સભ્યો માટે સૂચિત વેતનવધારો હાલ અટકાવી દેવાની જાહેરાત કરી છે. શરૂઆતમાં SRCએ જજીસ, કેબિનેટ સેક્રેટરીઝ, સેનેટર્સ, સાંસદો, મિનિસ્ટર્સ, કાઉન્ટી એસેમ્બલીના સભ્યો સહિત તમામ સરકારી અધિકારીઓ માટે 2થી 5 ટકાના વેતનવધારાની ભલામણ કરી હતી. ટ્રેઝરીએ SRCની ભલામણોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. જોકે, વર્તમાન આર્થિક કટોકટીના ગાળામાં ગવર્નર્સ સહિત રાજકારણીઓ વેતનમાં વધારો કેવી રીતે મેળવી શકે તેવો જાહેર પ્રશ્ન ઉઠાવાતા આ પગલું લેવાયું છે.
યુવાનો દ્વારા ચલાવાયેલા સામૂહિક આંદોલન અને દેખાવોના પરિણામે વિવાદાસ્પદ ફાઈનાન્સ બિલને પાછું ખેંચવા પ્રેસિડેન્ટ રુટોને ફરજ પડી હતી. ટેક્સવધારા વિરુદ્ધ દેખાવોમાં પોલીસ સાથે અથડામણોમાં ઓછામાં ઓછી 39 વ્યક્તિના મોત નીપજ્યા હતા.
મૃતકોની યાદગીરીમાં કોન્સર્ટ
ટેક્સવધારા મુદ્દે તાજેતરના સરકારવિરોધી દેખાવો-વિરોધમાં માર્યા ગયેલા લગભગ 39 લોકોની યાદમાં કેન્યાવાસીઓએ રવિવાર 7 જુલાઈના સાબા સાબા ડેએ નાઈરોબીમાં કોન્સર્ટ યોજ્યું હતું જેમાં સેંકડો લોકો હાજર રહ્યા હતા. લોકોએ નાચગાન સાથે સરકારવિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઉહુરુ પાર્કની વિશાળ હરિયાળીમાં સ્થાનિક કળાકારો દ્વારા યોજાયેલા કોન્સર્ટમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા. હાજર લોકોએ લડત ચાલુ રાખવાનું વચન આપવા સાથે પ્રેસિડેન્ટ રુટોના રાજીનામાની માગણીનો પુનરુચ્ચાર કર્યો હતો.