લંડન
ઇસ્ટ આફ્રિકાના દેશોમાં છેલ્લા 40 વર્ષનો ભીષણ દુકાળ પ્રવર્તી રહ્યો છે. એકલા કેન્યામાં 2022ના પ્રારંભથી અત્યાર સુધીમાં 205 હાથી સહિત મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓનાં મોત થયાં છે. કેન્યાના પ્રવાસન મંત્રી પેનિનાહ માલોન્ઝાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે આગામી મહિનાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે તેથી કેન્યાના વન્ય જીવન પર તોળાઇ રહેલું જોખમ દૂર થવાની સંભાવના નથી. ખોરાકના સ્ત્રોતોમાં ઘટાડો અને પાણીની અછતના કારણે વન્યજીવન નાશ પામી રહ્યું છે. આ દુકાળના કારણે 14 જેટલી પ્રજાતિઓ પર ગંભીર અસર પડી છે. 250 હાથી ઉપરાંત 512 વાઇલ્ડ બિસ્ટ, 381 ઝિબ્રા, 12 જિરાફ અને 51 ભેંસના મોત થયાં છે. નેશનલ પાર્કમાં પણ ઘણા પ્રાણીના મોત થયાં છે. લુપ્ત થઇ રહેલા 49 ગ્રેવી ઝિબ્રાના મોત થયાં છે. ગ્રેવી ઝિબ્રા ટ્રસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 3 મહિનામાં 40 ગ્રેવી ઝિબ્રાના મોત થયાં છે જેતેમની કુલ વસતીના બે ટકા છે. પ્રવાસન મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાણીઓના મોતનો આંકડો મોટો હોઇ શકે છે કારણ કે માંસાહારી પ્રાણીઓ દ્વારા ઘણા મૃત પ્રાણીઓના શરીર ખોરાક તરીકે ઉપયોગમાં લેવાઇ ચૂક્યાં હશે. તેના કારણે મોતનો આંકડો ઊંચો હોઇ શકે. કેન્યામાં 10 ટકા આવક પ્રવાસન ઉદ્યોગમાંથી થાય છે અને 20 લાખ લોકો તેના પર નભે છે.