નાઈરોબીઃ કેન્યામાં 47 કાઉન્ટીઝના ગવર્નર્સને ચૂંટવા મંગળવાર 9 ઓગસ્ટે યોજાએલા મતદાનના પગલે મહિલા ગવર્નર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કહી ન શકાય પરંતુ, 2017ની ચૂંટણીમાં માત્ર 3 મહિલા ગવર્નર ચૂંટાયાં હતાં તેના હોવાનું ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC) દ્વારા જણાવાયું છે. નેશનલ એસેમ્બલીમાં અત્યાર સુધી 6 મહિલાએ વિજય પ્રાપ્ત કર્યો છે.
દેશમાં રજિસ્ટર્ડ મતદારોમાંથી લગભગ અડધોઅડધ મહિલા હોવાં છતાં, કેન્યામાં ઘણી ઓછી મહિલા નેતા ચૂંટાયેલા પદ ધરાવે છે. મહિલાઓને નેતાગીરીના વધુ સ્થાન આપવા 2010માં ‘બે તૃતીઆંશ’નો નિયમ છે પરંતુ, અત્યાર સુધી તેની કોઈ અસર જણાઈ નથી.
ગવર્નરપદે ચૂંટાયેલી સાત મહિલાઓમાં સુસાન કિહિકા (નાકુરુ કાઉન્ટી), ગ્લેડિસ વાન્ગા (હોમાબે કાઉન્ટી), સેસિલી મ્બારીરે (એમ્બુ કાઉન્ટી), વાવિન્યા ન્ડેટી (માચાકોસ કાઉન્ટી), ફાટુમા અચાની (ક્વાલે કાઉન્ટી), કાવિરા મ્વાન્ગાઝા (મેરુ કાઉન્ટી) અને એન વાઈગુરુ (કિરિન્યાગા કાઉન્ટી)નો સમાવેશ થાય છે. કાવિરા મ્વાન્ગાઝાએ અપક્ષ ઊમેદવાર તરીકે વિજય મેળવ્યો છે.