નાઈરોબીઃ કોરોના વાઈરસથી મહિલાઓ કરતાં પુરુષોને સંક્રમણનું વધુ જોખમ હોવાને કેન્યાની સરકારે સમર્થન આપ્યું છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયની દૈનિક પત્રકાર પરિષદમાં હેલ્થ ડિપાર્ટમેન્ટના કેબિનેટ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી (CAS) રશીદ અમન આનું કારણ શું હોઈ શકે તેના વિશે સ્પષ્ટતા કરી શક્યા ન હતા. તેમણે જણાવ્યું કે પુરુષોમાં કોરોના વાઈરસ સંક્રમણનું વધુ પ્રમાણ અને સ્ત્રીઓમાં ઓછાં પ્રમાણને સમજવા માટે ઘણી થીયરી પર વિચારવું જોઈએ અને તે સમજવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે.
રશીદ અમને ઉમેર્યું કે બન્ને જાતિમાં રોગનું કારણ એક જ છે. જોકે, હાલના તબક્કે મહિલાઓ કરતાં પુરુષોને સંક્રમણ શા માટે વધારે લાગે છે તેનો સ્પષ્ટ જવાબ નથી. સંશોધન પૂરું થશે પછી તેનો જવાબ મળશે. કેન્યામાં ૨૧ જુલાઈની સ્થિતિએ કોરોનાના ૧૪,૧૬૮ પોઝિટિવ કેસ હતા. તે દિવસે નોંધાયેલા ૩૯૭ કેસમાંથી ૨૩૬પુરુષો અને ૧૬૧ મહિલાઓના હતા. સોમવારે પણ ૧૬૧ મહિલાઓની સામે ૨૬૩ પુરુષો સંક્રમિત થયા હતા.
કોરોનાની વેક્સિન વિશે અમને જણાવ્યું કે ૨૦૦ જેટલી વેક્સિન પર ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક ટેસ્ટીંગના આગળના તબક્કામાં પહોંચી છે.
અગાઉ, સરકાર દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની વ્યક્તિગત ઓળખ જાહેર કરવાનો ઈનકાર કરતી હતી. જોકે, અમને આ નીતિમાં ફેરફાર કર્યો હતો અને જાણીતી હસ્તીઓને આગળ આવવા અને પોતાની સ્થિતિ દર્શાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘સેલિબ્રિટિઝ જાહેરમાં આવે અને પોતે કોરોના સંક્રમિત હોય તો તે જાહેર કરે તે સકારાત્મક બાબત છે. રોગ વિશેનો ડર ઘટાડાવાનો આ એક માર્ગ છે. આપણે તેને પ્રોત્સાહન આપવું જોઈએ.’
જે લોકોએ તેઓ કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી છે તેમાં સિટીઝન ટીવીના પત્રકાર જેફ કોઈનેન્જ અને સ્ટીફન લેટૂનો સમાવેશ થાય છે.