નાઈરોબીઃ કેન્યાની લબર કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઈસ્ટ આફ્રિકન દેશ કેન્યામાં મેટા-ફેસબૂક સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. કેન્યામાં ફેસબુકના પૂર્વ મોડરેટર ડનિયલ મોટાઉન્ગે કામકાજની ખરાબ પરિસ્થિતિઓ મુદ્દે કંપની સામે દાવો માંડ્યો છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ દાવો કર્યો હતો કે કેન્યાની કોર્ટ્સ તેમની કામગીરી સંદર્ભે કોઈ જ્યુરીડિક્શન્સ ધરાવતી નથી. આ ચુકાદા પછી આગળની કાર્યવાહી 8 માર્ચે કરવામાં આવશે.
ફેસબુકના આફ્રિકન હબ કેન્યાની રાજધાની નાઈરોબીમાં સેમાસોર્સ લિમિટેડ દ્વારા સંચાલિત કેપનીમાં કામ કરનારા મોટાઉન્ગે જણાવ્યું હતું કે મોડરેટર તરીકે તેની કામગીરીમાં બળાત્કાર, અત્યાચાર અને શિરોચ્છેદ જેવા વિષયોના કારણે તેના અને તેના સાથીદારોના માનસિક આરોગ્ય પર ખરાબ અસર થાય છે. મેટા તેના કર્મચારીઓને મેન્ટલ હેલ્થ સપોર્ટ આપતી નથી, લાંબા વર્કિંગ કલાકોનું કામ કરવું પડે છે અને ઓછામાં ઓછો પગાર ચૂકવાય છે. મેટાએ પોસ્ટ્સની કન્ટેન્ટ્સ પર દેખરેખ રાખવા પૂરતા મોડરેટર્સ કામે રાખ્યા નથી અને ઘૃણાસ્પદ કન્ટેન્ટને પ્રાથમિકતા આપતાં અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરાય છે.
મેટા વિરુદ્ધ અન્ય કોર્ટ કેસમાં ઈથેયોપિયાના બે નાગરિકોએ જણાવ્યું છે કે તેમના દેશના વિનાશક ટિઆગ્રી સંઘર્ષ મુદ્દે ઉશ્કેરણીઓ વચ્ચે ફેસબુક પર હેટ સ્પીચને ઉત્તેજન અપાય છે.