નાઈરોબીઃ કેન્યામાં અસહ્ય મોંઘવારીથી જીવનનિર્વાહની કટોકટી અને સૂચિત ટેક્સવધારા સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે વિપક્ષ દ્વારા અપાયેલા વિરોધના એલાન પછી મોટા ભાગના શહેરોમાં બુધવાર, 12 જુલાઈએ પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણો થઈ હતી. કેન્યા નેશનલ કમિશન ઓન હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં 9 લોકોના મોત નીપજ્યા હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી.
દેખાવોના પગલે એક સાંસદ સહિત 312 લોકોની ધરપકડ કરાઈ હતી. સરકાર દ્વારા વિપક્ષી દેખાવો પર પ્રતિબંધ લદાયો હતો. પોલીસે દેખાવકારો સામે ટીઅરગેસનો મારો ચલાવ્યો હતો. યુવા દેખાવકારોએ મોમ્બાસા-નાઈરોબી એક્સપ્રેસવે બંધ કરાવી દીધો હતો. રુટોની સરકારે 200 બિલિયન શિલિંગ્સ (1.42 બિલિયન ડોલર)નો ટેક્સવધારો જરૂરી ગણાવ્યો છે. કેન્યા પ્રાઈવેટ સેક્ટર એલાયન્સના અંદાજ મુજબ એક દિવસના વિરોધ-દેખાવોની અર્થતંત્રને સરેરાશ 3 બિલિયન શિલિંગ્સ (21.2 મિલિયન ડોલર)ની કિંમત ચૂકવવી પડે છે.
પોલીસ ગોળીબારમાં મચાકોસ કાઉન્ટીના મલોંગો શહેરમાં ત્રણ, નાઈરોબીની નજીકના કિટેંગેલા શહેરમાં બે અને મોમ્બાસા હાઈવે નજીક એમાલીમાં એક તેમજ પશ્ચિમ કેન્યાના મિગોરી અને બુસિયામાં અન્ય બે વ્યક્તિનું મોત થયું હતું. રાજધાની નાઈરોબીમાં 50 થી વધુ શાળાના બાળકો પર ટીયરગેસ છોડવામાં આવ્યો હતો. સત્તાવાળાઓ દ્વારા દેખાવકારો વિરુદ્ધ ભારે બળપ્રયોગ કરાયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટેક્સવધારા સાથેના નવા ફાઈનાન્સ બિલનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને કેન્યાની હાઈ કોર્ટે તેના અમલ પર હાલ પૂરતી મનાઈ ફરમાવી છે. વિપક્ષના નેતા ઓડિન્ગા રાઈલાએ હુંકાર કર્યો હતો કે, જ્યાં સુધી સરકાર નવા લાદવામાં આવેલા ટેક્સીસ નાબુદ નહિ કરે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે.
બુધવારે અઝીમો પાર્ટીના નેતા ઓડિન્ગા અને અન્ય સિવિલ સોસાયટી ગ્રૂપ્સ દ્વારા વિરોધી દેખાવોની જાહેરાતના પગલે બુધવારે નાઈરોબીમાં જાણે સોપો પડી ગયો હતો. સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગણ્યાગાંઠ્યા બિઝનેસ ખુલ્યા હતા અને ભારે પોલીસ પેટ્રોલિંગ વચ્ચે માર્ગો પર લોકો દેખાતા ન હતા. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જાફેટ કૂમેએ કોઈ પણ પ્રકારના વિરોધ કે દેખાવો અને લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.