નાઈરોબીઃ કેન્યામાં કાગડાઓએ એવો કાળો કેર વર્તાવી દીધો છે કે સત્તાવાળાઓએ ઘરેલુ કાગડાઓને લાખોની સંખ્યામાં ખતમ કરવાનું શરૂ કરી દીધું છે. વાટામુ અને માલિન્ડી ટાઉન્સમાં કાગડાઓને ઝેર અપાઈ રહ્યું છે જેથી તેઓ રાજધાની નાઈરોબી તરફ આગળ વધે નહિ. કેન્યા પાસે હાલ 20,000 કાગડાને મારી શકાય તેટલું ઝેર છે અને ન્યૂ ઝીલેન્ડથી વધુ ઝેર આયાત કરવાની યોજના છે.
કેન્યામાં ‘કુંગુરુ’ અથવા ‘કુરાબુ’ નામથી ઓળખાતા તથા ભારત અને અન્ય એશિયન વિસ્તારોમાંથી આવેલા કાગડા શિકારી બનીને વન્યજીવન અને પાકને નષ્ટ કરી રહ્યા છે તેમજ પર્યટક વિસ્તારો અને પોલ્ટ્રી ફાર્મ્સ પર હલ્લો બોલાવી રહ્યા છે. કાગડાઓએ મોમ્બાસામાં ઘરોની દીવાલો અને છતો પર મળવિસર્જન કરી ‘ખરાબ કરી નાખ્યા છે, લોકો વૃક્ષના છાંયડામાં બેસતા પણ ડરે છે. આ બધી સમસ્યાઓ ધ્યાનમાં રાખી સત્તાવાળાઓ કાગડાની સંખ્યાને અડધી કરી નાખવા પોઈઝનિંગનો ઉપાય અજમાવી રહ્યા છે. આ માટે કાગડાઓને લલચાવી માંસના ટુકડાઓમાં ઝેર મેળવીને અપાય છે.