નાઈરોબીઃ કેન્યામાં ટેક્સવધારાના મુદ્દે સરકારવિરોધી દેખાવો અને પ્રદર્શનો થયાં તેમાં 41 લોકોના મોત ઉપરાંત, ઘણા યુવાનો લાપતા પણ થયેલા છે. હવે આ યુવાનો અને બાળકોની શોધખોળ તેમના પેરન્ટ્સે હાથ ધરી છે. દરમિયાન, કેન્યામાં સરકારવિરોધી દેખાવોના સપ્તાહો પછી નાઈરોબીના મુકુરુ સ્લમ્સમાં એક ત્યજી દેવાયેલી ખાણમાંથી કોથળાઓમાં આઠ સ્ત્રીઓનાં મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે. ડમ્પસાઈટ પર મૃતદેહો મળી આવ્યા પછી પોલીસે પારદર્શક તપાસની ખાતરી ઈપી છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહો મળવાના દિવસે જ કેન્યાના પોલીસ વડા ઈન્સ્પેક્ટર જનરલ જાફેટ કૂમેએ રાજીનામું આપી દીધું હતું.
લાપતા લોકોને શોધવા તેમના પેરન્ટ્સ પોલીસ સ્ટેશનો, હોસ્પિટલો અને મોર્ગ્સની મુલાકાતો લઈ રહ્યા છે. કેન્યા નેશનલ કમિશન ઓન હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર ફાઈનાન્સ બિલવિરોધી દેખાવોમાં 41 મોત, 35 અપહરણ અને 746 ધરપકડો થઈ છે. જે લોકોના અપહરણ કરાયા અને લાપતા છે તે તમામને તત્કાળ મુક્ત કરવા પેરન્ટ્સ દ્વારા સરકાર સમક્ષ માગણી કરાઈ છે.