નાઈરોબીઃ કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા છે અને સંખ્યાબંધ લોકો લાપતા છે. ગ્રેટ રિફ્ટ વેલી પ્રોવિન્સના માઈ મહિઉ વિસ્તારમાં આવેલો ઓલ્ડ કિજાબે બંધ તૂટવાથી વધુ 45 લોકોના મોત થયા હતા.યુએનના જણાવ્યા અનુસાર રાજધાની નાઈરોબીમાં જ 32 લોકોના મોત થયા છે. દેશભરમાં પૂર અને વરસાદની અસર હેઠળ 200,000થી વધુ લોકોને ઘર છોડી જવા સહિતની ફરજ પડી હતી. દેશમાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
ગત થોડા દિવસોથી કેન્યામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેનાથી ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. અડધું કેન્યા પૂરના પાણીમાં ગરકાવ છે અને લાખો લોકોને અસર થઈ છે. નાઈરોબીમાં લોકોએ ઘરના છાપરાં પર આશરો લેવાની ફરજ પડી હતી. કેન્યાનું એરપોર્ટ અને મોટા ભાગના હાઈવેઝ પાણી હેઠળ છે. સરકાર રાહત અને બચાવ કાર્યના તમામ પ્રયાસો કરી રહી હોવાં છતાં, લોકો સુધી રાહત પહોંચાડવામાં સમસ્યા ઉભી થઈ છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામ, ઈમર્જન્સી હાઉસિંગ અને અન્નસહાય સહિત પ્રારંભિક ઈમર્જન્સી રિસ્પોન્સ માટે 3.3 બિલિયન કેન્યન શિલિંગ્સ (24.5 મિલિયન ડોલર) ફાળવવાનો પ્રસ્તાવ કર્યો છે.
ઓલ્ડ કિજાબે બંધ તૂટવાથી 45ના મોત
ગ્રેટ રિફ્ટ વેલી પ્રોવિન્સના માઈ મહિઉ વિસ્તારમાં આવેલો ઓલ્ડ કિજાબે બંધ તૂટી પડતા સર્જાયેલી કરૂણાંતિકામાં 45 વ્યક્તિએ જાન ગુમાવ્યાના અને સંખ્યાબંધ લોકો લાપતા થયાના અહેવાલ છે. બીજી તરફ, 110 લોકોને બચાવી લેવાયા હતા. બંધ તૂટવાથી ધસમસતાં પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા,માર્ગો પર જમીનો ધસી પડી હતી અને સંખ્યાબંધ વાહનો ફસાઈ ગયા હતા. કેન્યાના પૂર્વ ક્ષેત્રમાં માસિંગા અને મધ્ય પ્રદેશમાં થિબા સહિતના ડેમ નજીક રહેતા રહેવાસીઓને ચેતવણી સાથે ડેમની નજીક રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે. દરમિયાન, હવામાન વિભાગે જૂન મહિના સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
બીજી તરફ, આફ્રિકાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયેલી છે. બુરુન્ડીમાં આશરે 100,000 લોકોએ સ્થળાંતર કરવું પડે તેવી હાલત સર્જાઈ હતી જ્યારે ટાન્ઝાનિયામાં 155 લોકોની જાનહાનિ થઈ હતી અને 200,000થી વધુ લોકોને અસર પહોંચી છે. સોમાલિયામાં પણ 19 એપ્રિલથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.