નાઈરોબીઃ પૂર્વ અને હોર્ન ઓફ આફ્રિકામાં સતત છઠ્ઠા વર્ષે પણ વરસાદની સીઝનના અણસાર નહિ જણાવા સાથે કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ મંગળવાર 14 ફેબ્રુઆરીએ નાઈરોબીના ન્યાયો નેશનલ સ્ટેડિયમ ખાતે આયોજિત સામૂહિક પ્રાર્થનાના રાષ્ટ્રીય દિવસની મદદથી ઈશ્વરીય હસ્તક્ષેપથી વાદળો વરસશે તેવી આશા વ્યક્ત કરી છે. દેશભરમાં વરસાદ લાવવાની સામૂહિક પ્રાર્થનામાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને નાગરિકો સવારથી આઠ વાગ્યાથી એકત્ર થવા લાગ્યા હતા. પ્રાર્થનામાં સામેલ થનારા નાગરિકોને તેમની બેઠક સુધી પહોંચાડવા નેશનલ યુથ સર્વિસના સભ્યો પણ કામે લાગ્યા હતા.
પ્રમુખ રુટોએ રાજધાની નાઈરોબીથી 160 કિલોમીટરના અંતરે આવેલા દુકાળગ્રસ્ત શહેર નાકુરુ ખાતે રવિવારે દેશની સૌપ્રથમ સામૂહિક પ્રાર્થના નાઈરોબીમાં યોજવાની જાહેરાત કરી હતી. કેન્યાના ધાર્મિક નેતાઓએ દેશમાં દુકાળની હાલતને હળવી બનાવવા એક આખો દિવસ પ્રાર્થના કરવાની સંયુક્ત હાકલ કર્યાના પગલે પ્રમુખે આ જાહેરાત કરી હતી.
દેશને આર્થિક ચેતનવંતો બનાવવા પ્રેસિડેન્ટ રુટોની મહત્ત્વાકાંક્ષી રણનીતિ પણ સફળ વર્ષાઋતુ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે,‘સરકાર તરીકે અમે અન્ન સુરક્ષાના વિસ્તૃત પગલાં લીધા છે, આપણી પાસે બિયારણ છે, પૂરતું ખાતર છે અને બંધો સહિત જળસુરક્ષાની નીતિઓ પણ છે. હવે આપણે ઈશ્વર વરસાદ મોકલી આપે તેની રાહ જોવાની છે. હું તમામ ધર્મોના લોકોને આપણા દેશ માટે પ્રાર્થના કરવા અનુરોધ કરું છું.’ કેન્યાવાસીઓએ પ્રમુખના અનુરોધને સ્વીકારી સામૂહિક પ્રાર્થના કરવા તૈયારી દર્શાવી છે.
જાન્યુઆરીની શરૂઆતમાં નેશનલ સ્ટીઅરિંગ કમિટી ઓન ડ્રોટ રિસ્પોન્સે અંદાજ જાહેર કર્યો હતો કે કેન્યામાં વધુ એક વર્ષ અકાળની સ્થિતિ યથાવત રહેશે. કમિટીના ચેરમેન પીટર ન્ડેગ્વાએ કહ્યું હતું કે 4.2 મિલિયન કેન્યનો ભૂખમરા-દુકાળનો સામનો કરી રહ્યા છે અને અન્ન સહાય પર આધાર રાખવો પડશે.
કેન્યા અને અન્ય ઈસ્ટ આફ્રિકન દેશો આ દાયકામાં સૌથી ખરાબ દુકાળ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જેના પરિણામે પાકની નિષ્ફળતા, પશુધન, વન્યજીવન અને બાયોડાયવર્સિટીના નાશ અને કુપોષણના પ્રશ્નો સર્જાયા છે. કેન્યાના અર્થતંત્રમાં ઘરઆંગણાની ખેતીનો વિશાળ હિસ્સો છે. ધ ઈન્ટરગવર્મેન્ટલ ઓથોરિટી ઓન ડેવલપમેન્ટના ક્લાઈમેટ સેન્ટરના જણાવ્યા મુજબ 2020થી વરસાદની પાંચ સીઝન નિષ્ફળ ગઈ છે જેના કારણે 50 મિલિયનથી વધુ લોકોને અસર થઈ છે.
સમગ્ર વિશ્વમાં વિવિધ ધર્મોના લોકો ઘણી વખત વરસાદ અથવા અન્ય તરફેણકારી હવામાન માટે ઈશ્વરીય હસ્તક્ષેપની પ્રાર્થના કરતા રહે છે. ગત ઉનાળામાં મિલાનના આર્ચબિશપે દેશમાં વરસાદના અભાવનો અંત લાવવા ત્રણ ચર્ચની યાત્રા કરી હતી અને ઉટાહના ગવર્નરે અતિશય ગરમીના વીકએન્ડ પહેલા વરસાદ માટે પ્રાર્થના કરવા નાગરિકોને હાકલ કરી હતી.