નાઈરોબીઃ ગત સપ્તાહના વિપક્ષી દેખાવો હિંસામાં ફેરવાઈ ગયા પછી કેન્યાની પોલીસે સોમવારના નવા દેખાવો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જાફેટ કૂમેએ જણાવ્યું હતું કે હિંસક દેખાવો ચલાવી લેવાશે નહિ. બીજી તરફ, પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ વધતા જીવનનિર્વાહ ખર્ચ મુદ્દે પ્રેસિડેન્ટ વિલિયમ રુટોનો વિરોધ કરવા લોકોને સોમવાર અને ગુરુવારે શેરીઓમાં ઉતરી આવવા હાકલ કરી હતી. તેમણે સમર્થકો સહિત તમામ કેન્યાવાસીને શાંતિપૂર્ણ દેખાવોમાં જોડાવા જણાવ્યું હતું.
ગત સોમવાર, 20 માર્ચના દેખાવોને પણ પોલીસે પરવાનગી આપી ન હતી. આ દેખાવો હિંસામાં ફેરવાયા હતા અને રાયટ પોલીસે પથ્થર ફેંકતા અને ટાયરો સળગાવતા લોકો સામે ટીઅર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ ફાયરિંગમાં યુનિવર્સિટી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. નાઈરોબી અને પશ્ચિમ કેન્યામાં વિપક્ષી ગઢો પોલીસ સાથે સંઘર્ષમાં 31 પોલીસ ઓફિસરોને ઈજા પહોંચી હતી. ઓડિન્ગાના કાફલા પર પણ ટીઅર ગેસ અને વોટર કેનનનો મારો ચાલ્યો હતો જ્યારે વરિષ્ઠ રાજકીય નેતાઓ સહિત 200થી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી.
કેન્યામાં લોકો સતત દુકાળ અને ભારે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. પ્રમુખ રુટોએ મકાઈના લોટ અને ફ્યુલ પરની સબસિડીઓ પાછી ખેંચી લીધી છે. ગત સપ્તાહે કેન્યાના એનર્જી રેગ્યુલેટરે 1 એપ્રિલથી ઈલેક્ટ્રિસિટીના ભાવવધારાની જાહેરાત કરી છે.