નાઈરોબીઃ પૂર્વ આફ્રિકાના સમૃદ્ધ દેશોમાં એક કેન્યામાં ગત મંગળવાર 9 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદ અને નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં સાત દિવસ ચાલેલી મતગણતરી પછી વર્તમાન ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને યુનાઈટેડ ડેમોક્રેટિક એલાયન્સ (UDA) અને કેન્યા ક્વાન્ઝા ગઠબંધનના ઉમેદવાર વિલિયમ રુટોને દેશના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આ જાહેરાતનો ભારે વિરોધ થયો છે. ચૂંટણીપંચના સાતમાંથી ચાર ઈલેક્ટોરલ કમિશનરોએ આ પરિણામને અમાન્ય ગણાવ્યું હતું. બીજી તરફ, પ્રમુખપદના વિપક્ષી ઉમેદવાર રાઈલા ઓડિન્ગાના સમર્થકોએ પરિણામ સામે અસંતોષ વ્યક્ત કરવા સાથે ઠેકઠેકાણે હિંસા, આગચંપી અને તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. રુટોને કુલ મતના 50.49 ટકા (7,176,141 મત) અને ઓડિન્ગાને 48.85 ટકા (6,942,930 મત) મત મળ્યા હતા. આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી 65 ટકા જેટલી રહી છે જે અગાઉની ચૂંટણીઓ કરતાં પ્રમાણમાં ઘણી ઓછી છે. કોર્ટ દ્વારા ચૂંટણીને માન્યતા અપાશે તો વિલિયમ રુટો આગામી મહિને સત્તા સંભાળશે તેમ મનાય છે. તેઓ સ્વતંત્ર કેન્યામાં જન્મેલા પ્રથમ પ્રમુખ બની રહેશે.
પ્રમુખપદની બે મુદત પૂર્ણ કરી ચૂકેલા ઉહુરુ કેન્યાટાનું સ્થાન હાંસલ કરવાની ચૂંટણીમાં ઓડિન્ગા અને રુટો વચ્ચે ભારે રસાકસી પછી રુટોને વિજેતા જાહેર કરાયા છે ત્યારે પરાજિત ઉમેદવાર રાઈલા ઓડિન્ગા દ્વારા આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં પરિણામો વિરુદ્ધ અપીલ થવાનું લગભગ નિશ્ચિત રહે છે. આ સંજોગોમાં નવા પ્રમુખ સત્તા સંભાળે તે માટે ઘણા સપ્તાહો રાહ જોવી પડશે. રાઈલા પાસે વિજયના પરિણામને પડકારવા સાત દિવસની મુદત છે. ગત ચૂંટણી પછી કેન્યાટા અને રુટો વચ્ચે કડવાશ ઉભી થયા પછી કેન્યાટાએ વિપક્ષીનેતા ઓડિન્ગાને સમર્થન જાહેર કરેલું છે.
અગાઉ, ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC) દ્વારા રવિવારે લગભગ 50 ટકા સંસદીય બેઠકોના પરિણામોને ધ્યાનમાં લેતા આંકડા જાહેર કર્યા હતા જે મુજબ વિલિયમ રૂટોને 51.25 ટકા અને રાઈલા ઓડિન્ગાને 48.09 ટકા મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ઓડિન્ગા આગળ હતા. મંગળવાર ૯ ઓગસ્ટે કરાયેલા મતદાન પછી વિજેતાએ રાષ્ટ્રીય વોટ્સના 50 ટકા તેમજ 47 કાઉન્ટીઝમાંથી 24 કાઉન્ટીમાં ઓછામાં ઓછાં 25 ટકા મત મેળવવા આવશ્યક રહે છે.
શાંતિ જાળવવાની બાંહેધરી છતાં હિંસા
પરિણામ જાહેર થતાં જ અરાજકતા વ્યાપી ગઈ હતી અને ઓડિન્ગાના સમર્થકોના વિરોધના પગલે હિંસા, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. સામાન્ય રીતે કેન્યામાં ચૂંટણીઓમાં હિંસા જોવા મળે છે. કેન્યાવાસીઓ હજુ પણ 2007 અને 2017ની ચૂંટણીહિંસાને ભૂલી શક્યા નથી. 2007ની વિવાદાસ્પદ ચૂંટણી પછી 1200થી વધુ લોકોએ હિંસામાં જાન ગુમાવ્યા હતા જ્યારે 2017ની ચૂંટણી પછી 100થી વધુ લોકો માર્યા ગયા હતા. 2017ની ચૂંટણીના ખરાબ સંચાલન માટે ટીકાપાત્ર બનેલા ચૂંટણીપંચે પારદર્શિતા દર્શાવવા માટે દરેક મતકેન્દ્ર પરથી પરિણામો દર્શાવતા ડોક્યુમેન્ટ્સ તેની વેબસાઈટ પર મૂકવાની શરૂઆત કરી છે. આ વખતે મતદાન ઓછું એટલે કે 65 ટકા જેટલું થયું છે. વ્યાપક ભ્રષ્ટાચાર, વધતા જતા ભાવ સહિત આર્થિક સમસ્યાઓ તેમજ મતપત્રો પર જૂના રાજકીય જોગીઓના કારણે નિરાશ કેન્યાવાસીઓએ ચૂંટણીમાં ઓછો રસ દર્શાવ્યો છે.
કેન્યાની ચૂંટણી- આંકડાની નજરે
56 મિલિયન - કુલ વસ્તી
22.1 મિલિયન – રજિસ્ટર્ડ મતદારો
11.2મિલિયન – પુરુષ મતદારો
10.8મિલિયન – સ્ત્રી મતદારો
10,442 – ડાયસ્પોરા મતદારો
5,182 – જેલમાં રહેલા મતદારો
18 વર્ષ - મતદાન માટેની વય
337 – નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયેલી બેઠકો
47 – કાઉન્ટીઝ
46,232 – મતદાન કેન્દ્રો
04 – પ્રમુખપદના ઉમેદવાર