નાઈરોબીઃ કોરોના વાઈરસની મહામારીનો સૌથી મોટો ભોગ બાળકોનાં શિક્ષણનો લેવાયો છે. કેન્યા સરકારે મંગળવાર ૭ જુલાઈએ સ્કૂલ કેલેન્ડર સસ્પેન્ડ કરી દીધું હતું. હવે જાન્યુઆરી ૨૦૨૧માં શાળાઓ ફરી ખુલશે ત્યારે પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલના ૧૫ મિલયનથી વધુ વિદ્યાર્થીઓએ તેમના જૂના ધોરણનો જ અભ્યાસ કરવાનો આવશે.
કેન્યાના એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ માગોહાએ ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષ સસ્પેન્ડ કરવા સાથે ઓક્ટોબરમાં લેવાનારી કેન્યા સર્ટિફિકેટ ઓફ પ્રાઈમરી એજ્યુકેશન (KCPE) અને કેન્યા સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (KCSE) પણ રદ જાહેર કરી હતી. આ આદેશ ઈન્ટરનેશનલ સ્કૂલ્સને પણ લાગુ પડે છે. આનો અર્થ એ છે કે KCSE અને KCPE પરીક્ષાઓમાં બેસનારા બે મિલિયન બાળકોએ ૨૦૨૧માં તેમના ધોરણોમાં ફરી ભણવાનું રહેશે. કેન્યામાં માર્ચ મહિનાના આખરી સપ્તાહમાં પ્રથમ કોરોના વાઈરસ કેસ કન્ફર્મ થવાના પગલે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ’ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી પ્રોફેસર માગોહાએ કહ્યું છે કે નોવેલ કોરોના વાઈરસના ઈન્ફેક્શન્સ તેના શિખર તરફ જવાનું શરુ થવાથી શાળાઓને સપ્ટેમ્બરમાં ફરી ખોલવી વ્યવહારુ અને સલામત નથી. શાળા ૨૦૨૧માં ફરી ખુલશે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ તેમના વર્તમાન ક્લાસીસમાં ફરીથી ભણવાનું રહેશે. મહામારીના કારણે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહેવાથી તરુણાવસ્થામાં પ્રેગનન્સી, બળાત્કાર અને ઈ-લર્નિંગ ફંડ્ઝની ઉચાપતોનું પ્રમાણ વધી ગયું છે. કેન્યા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્યુરિકલમ ડેવલપમેન્ટ અને શિક્ષકો દ્વારા અપાયેલા ઓનલાઈન શિક્ષણથી પણ સમસ્યાનો હલ આવ્યો નથી.
પ્રોફેસર માગોહાએ જણાવ્યું હતું કે એજ્યુકેશન મંત્રાલય શાળાઓ ફરી ખોલવા મુદ્દે વિસ્તૃત સર્ક્યુલર બહાર પાડશે જ્યારે કેન્યા નેશનલ એક્ઝામિનેશન્સ કાઉન્સિલ સુધારેલા સમયપત્રકો જારી કરશે. જોકે, સરકારે હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈન્સનું કડક પાલન કરવા સાથે યુનિવર્સિટીઓ, ટેક્નિકલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ અને ટીચર ટ્રેનિંગ કોલેજીસને સપ્ટેમ્બરમાં ફરી ખોલવા પરવાનગી આપી છે.
બહુમતી પેરન્ટ્સે પોતાના બાળકોને શાળાએ મોકલવા સામે તીવ્ર વિરોધ અને આશંકા દર્શાવ્યા પછી સપ્ટેમ્બરમાં શાળાઓ ખોલવાનું મુલતવી રખાયું હતું. હવે શાળાઓનું વર્ષ રદ થવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. આના પરિણામે પેરન્ટ્સે પ્રથમ ટર્મમાં ભરેલી સ્કૂલ ફીનો હિસ્સો ગુમાવવો પડશે. પ્રાઈવેટ સ્કૂલ્સ તેમજ જાહેર શાળાઓમાં મેનેજમેન્ટ બોર્ડ હેઠળ આવતા શિક્ષકોએ પણ આ વર્ષે તેમનો બાકીનો પગાર ગુમાવવો પડે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને તેમણે પરીક્ષાની કરેલી તૈયારી એળે ગયાનું પણ દુઃખ છે. શાળાઓનું શિક્ષણ કેલેન્ડર સંપૂર્ણપણે ખોરવાય તે કેન્યાના ઈતિહાસમાં પ્રથમ ઘટના છે. અગાઉ, ૧૯૮૨માં નિષ્ફળ બળવાના પરિણામે યુનિવર્સિટીઓ નવ મહિના બંધ રખાઈ હતી.