નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકાર સાથે સમજૂતીના પગલે દેશના વિરોધ પક્ષોએ સરકારવિરોધી પ્રદર્શનો મુલતવી રાખવાની જાહેરાત કરી છે. કેન્યામા પ્રમુખપદની ચૂંટણીમાં ભારે ગેરરીતિ અને અસહ્ય મોંઘવારીના કારણોસર માર્ચ મહિનાથી સપ્તાહમાં બે દિવસના દેખાવો શરૂ કરાયા હતા.
પીઢ વિપક્ષી રાજકારણી રાઈલા ઓડિન્ગાના વડપણ હેઠળના એલાયન્સ અઝિમીઓ લા ઉમોજા (ડેક્લેરેશન ઓફ યુનિટી) દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે વિપક્ષી એલાયન્સે પ્રેસિડેન્ટ રુટોની શાસક પાર્ટી કેન્યા ક્વાન્ઝા (કેન્યા ફર્સ્ટ) દ્વારા એક માગણી સ્વીકારાયાના પગલે સામૂહિક વિરોધ મુલતવી રાખવા નિર્ણય લીધો છે. જોકે, સમજૂતીની વિગતો જાહેર કરાઈ ન હતી.
ગત વર્ષે પ્રમુખપદની ચૂંટણીમાં રુટો સામે હારી જનારા ઓડિન્ગાએ 23 જાન્યુઆરીથી દેશભરમાં સંખ્યાબંધ રેલીઓ યોજી મતદાનમાં કથિત ગેરરીતિ થકી આવેલી સરકારને ફગાવી દેવા સમર્થકોને હાકલ કરી હતી. માર્ચ મહિનામાં તેમણે વધતી મોંઘવારી અને ચૂંટણીમાં ગેરરીતિઓ મુદ્દે રાજકીય દબાણ વધારવા સપ્તાહમાં બે દિવસના દેખાવોની જાહેરાત કરી હતી અને કેન્યાવાસીઓ તેને ભારે પ્રતિસાદ આપ્યો હતો. દેખાવો પર સરકારી પ્રતિબંધ છતાં ત્રણ રેલી યોજાઈ હતી જેમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી તેમજ માલમિલકતોને નુકસાન પહોંચ્યું હતું. એપ્રિલ મહિનામાં પ્રમુખ રુટોના પ્રતિનિધિઓ સાથે વાતચીત નિષ્ફળ ગયાં પછી ફરી દેખાવોની જાહેરાત કરાઈ હતી