નાઈરોબીઃ પશ્ચિમ કેન્યામાં કાકામેગા કાઉન્ટીમાં ગુરુવાર, 9 ફેબ્રુઆરીની વહેલી સવાલે સોનાની ખાણ ધસી પડતા ચાર ખાણિયા ફસાયા હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. અગાઉ, ખાણમાં 12 ખાણિયા ફસાયા હતા પરંતુ, કોમ્યુનિટીના સભ્યો દ્વારા ખોદકામ પછી આઠ ખાણિયાને સલામત બહાર કાઢી શકાયા હતા. ખાણિયાઓ સ્થાનિક સરકારની લાયસન્સ વિનાની પુરાણી માઈનિંગ ખાણના બોગદામાં કામ કરી રહ્યા હતા.
પશ્ચિમ કેન્યામાં ખાણો ધસી પડવાની ઘટનાઓ વધી છે. આ વર્ષના જાન્યુઆરીમાં એક ગોલ્ડ માઈનિંગ કંપનીએ વિસ્ફોટમાં ત્રણ ખાણિયાના મોત થયાનું જણાવી ગેરકાયદે માઈનિંગ પર દોષનો ટોપલો મૂક્યો હતો.
કાકામેગાના કાઉન્ટી કમિશનર જ્હોન ઓન્ડેગોએ કહ્યું છે કે રાતના સમયે ખાણકામને પરવાનગી નહિ અપાય. ગેરકાયદે ખાણકામ કરી લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. બેરોજગારીના કારણે યુવાનો ખાવાનું આપી શકે તેવું કોઈ પણ કામ કરવા તૈયાર રહે છે.